આજીડેમ ચોકડી સર્વિસ રોડ પર ક્રેઇનની ઠોકરે દિપ્તીનગરના યુવાનનો પગ ભાંગ્યો
રસિકભાઇ ગરનાળાને ક્રેઇન ચાલકે બાઇક સહિત ઉલાળી દીધો
રાજકોટ તા. ૨૯: આજીડમે ચોકડી નજીક સર્વિસ રોડ પર ક્રેઇનના ચાલકે બાઇકને ઉલાળી દેતાં અને બાઇકચાલક દિપ્તીનગરના કુંભાર યુવાનના પગમાં ફ્રેકચર થઇ જતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
કોઠારીયા રોડ પર દિપ્તીનગરમાં રહેતો રસિકભાઇ જેરામભાઇ ગરનાળા (કડીયા કુંભાર) (ઉ.વ.૪૧) ગઇકાલે પોતાનું બાઇક જીજે૦૩કેજી-૧૬૮૧ હંકારીને હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતાં આજીડેમ ચોકડી નજીક સર્વિસ રોડ પર પહોંચતા બાજુમાંથી મોટી ક્રેઇન નીકળી હતી. તેના ચાલકે બાઇકને પાછળથી ઠોકરે લેતાં રસિકભાઇ બાઇક સહિત પડી જતાં અને ક્રેઇનનું વ્હીલ પગમાં લાગી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં.
અકસ્માત સર્જી ક્રેઇનની ચાલક ભાગી ગયો હતો. કોઇએ ક્રેઇનના નંબર જીજે૦૩એચઇ-૧૮૧૯ નોંધી લીધા હતાં. રસિકભાઇએ તેના પુત્રને બોલાવતાં તેણે ઘટના સ્થળે પહોંચી પિતાને હોસ્પિટલે ખસેડ્યા હતાં. સિવિલમાં નિદાન થતાં ગોઠણ નીચેના ભાગે ફ્રેકચર હોવાની ખબર પડી હતી. આજીડેમના હેડકોન્સ. એસ. જે. બાલાસરાએ ક્રેઇન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.