રાજકોટ
News of Thursday, 29th July 2021

મધ્યપ્રદેશના શિવપુરના રેખાબેનને રાજકોટની સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં નવું જીવનઃ હાર્ટનું સફળ ઓપરેશન

રાજકોટ તા. ર૯: ''દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ર૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૃં પાડયું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ર૦ વર્ષથી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને ર૦,૦૦૦ થી વધારે હૃદય રોગના ઓપરેશનનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.આવું જ એક પેશન્ટ રેખાબેન ઉમેદરામ ગોયલ, ઉમર ૪૩ વર્ષ ગામઃ શિવપુર જિલ્લોઃ રતલામ, મધ્ય પ્રદેશનું વતની નિદાન માટે આવેલ હતું. પેશન્ટના કુટુંબમાં ૬ વ્યકિતઓ છે. પેશન્ટના પતિ ખેત મજુરી કરે છે. તથા માસિક આશરે ૯૦૦૦ રૂ.ની આવક ધરાવે છે. પેશન્ટને હૃદયની બીમારી આશરે ર૦ વર્ષથી હતી. તેઓને અલગ અલગ હોસ્પિટલોમાં નિદાન કરાવેલ હતું પરંતુ આર્થિક પરિસ્થિતિને હિસાબે ઓપરેશન કરાવી શકયાં ન હતા.

જયારે આ પેશન્ટ શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ આવ્યા ત્યારે જરૂરી રિપોર્ટસ પરથી નિદાન થયું હતું કે હૃદયની મુખ્ય ધમનીના મુખ્ય વાલ્વની નીચે પાતળો પડદો હતો અને મુખ્ય વાલ્વ સાંકડો થઇ ગયો હતો. જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ગભરામણ થવાની તકલીફ હતી. આ પેશન્ટનું તદ્દન વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરી મુખ્ય વાલ્વની નીચેનો પડદો દૂર કરવામાં આવેલ હતો અને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા. ર૮-૭-ર૦ર૧ના રોજ રજા આપવામાં આવી હતી. ભગવાન બાબાની અસીમ કૃપાથી દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે. 

(2:56 pm IST)