પાટા ઓળંગતી વખતે ટ્રેન આવી ગઇ, બે જણા નીકળી ગયા ત્રીજો રાહુલ ઠોકરે ચડી જતાં મોત
પરપ્રાંતિય યુવાન ઓરડીએ જતો હતો ત્યારે ગોંડલ રોડ ફાટક પાસે બનાવ
રાજકોટ તા. ૨૯: ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ નજીક પાટા ઓળંગતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતાં પરપ્રાંતિય યુવાન રાહુલ રામદિનભાઇ ગુપ્તા (ઉ.વ.૧૭)નું મોત નિપજ્યું હતું.
અજાણ્યો યુવાન ટ્રેનની ઠોકરે આવી જતાં ઘટના સ્થળે જ મોત થયાની જાણ ભકિતનગર સ્ટેશન માસ્તર દ્વારા થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. વી. કડછા અને સ્ટાફે પહોંચી તપાસ કરતાં મૃતકની ઓળખ થઇ હતી. તે રાહુલ ગુપ્તા હોવાનું અને રિધ્ધી સિધ્ધીના નાલા નજીક કારખાનામાં કામ કરતો હોવાનું તથા બાપા સિતારામ ચોક પાસે ઓરડીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. બીજા બે યુવાનો સાથે તે ઘરે જતો હતો ત્યારે પાટા ઓળંગતી વખતે ટ્રેન આવી ગઇ હતી. પાવો સાંભળી બીજા બે દોટ મુકી નીકળી ગયા હતાં અને રાહુલ ટ્રેનની ઠોકરે આવી જતાં મોત નિપજ્યું હતું.