રાજકોટ
News of Saturday, 29th June 2019

લેણા નીકળતાં સુથારી કામના ૨૦ હજારની ઉઘરાણી કરતાં દિનેશ કુંભાર પર ધોકાવાળી

મવડી ચોકડીની ન્યુ જલારામ સોસાયટીમાં બનાવઃ મુકુલ થોરીયા અને જીજ્ઞેશ સરધારા સહિત ચારે ઘરે આવી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૯: મવડી ચોકડી પાસે જલારામ સોસાયટીમાં રહેતાં અને ફર્નિચર કામ કરતાં કુંભાર યુવાને પોતે અગાઉ જેની સાથે કામ કર્યુ હતું તેના લેણા નીકળતાં રૂપિયાની ઉઘરાણી કરતાં આ શખ્સે રૂપિયા નહિ મળે...કહી ગાળો ભાંડ્યા બાદ બીજા ત્રણ જણા સાથે ઘરે આવી ધોકાથી હુમલો કરતાં કુંભાર યુવાનને સારવાર લેવી પડી હતી.

મવડી ચોકડીએ ન્યુ જલારામ-૨માં રહેતાં દિનેશભાઇ બાબુભાઇ હરણેશા (ઉ.૩૨) નામના વરીયા કુંભાર યુવાનને રાત્રે દસેક વાગ્યે ઘરે હતો ત્યારે મુકુલ થોરીયા, જીજ્ઞેશ સરધારા અને બે અજાણ્યા શખ્સોએ ઘરે આવી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

દિનેશભાઇના ભાઇ લલીતભાઇના કહેવા મુજબ દિનેશભાઇ ફર્નિચર કામ કરે છે. અગાઉ તેણે મુકુલ સાથે એલ્યુમિનિયમ સેકશનનું કામ કર્યુ હતું. એ કામના રૂપિયા વીસ હજાર મુકુલ પાસેથી લેવાના હતાં. બે મહિના થઇ ગયા છતાં તે પૈસા આપતો ન હોઇ ગત રાત્રે મારા ભાઇ દિનેશે ફોન કરી પૈસા આપી દેવા કહેતાં તેણે ગાળો ભાંડી હતી. પિતા બાબુભાઇએ વાત કરતાં તેને પણ ગાળો દીધી હતી. એ પછી મુકુલ સહિત ચાર જણાએ ઘરે આવી ધોકાથી હુમલો કરી દિનેશને માર માર્યો હતો.

(11:49 am IST)