રાજકોટ
News of Friday, 29th June 2018

ગુજરાત કોંગ્રેસની આગ કેમ ઠારવી? પ્રભારી રાજીવ સાતવ દિલ્હી દોડયાઃ ઇન્દ્રનીલનું રાજીનામું સ્વીકારી લેવાયુ?

આજે રાજકોટમાં ધરણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ગેરહાજર રહ્યાઃ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા પણ ગઇકાલે પ્રદેશ નેતાઓને મળી આવ્યા

રાજકોટ, તા., ૨૯: ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા અકે સપ્તાહથી આંતરીક જુથવાઇઝ આગ લાગી છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પ્રભારી રાજીવ સાતવ આ આગને ઠારવા માટે ધંધે લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટ કોંગ્રેસમાં શહેર પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂનાં રાજીનામાં બાદ તેના સમર્થનમાં કોંગ્રેસનાં જુદા જુદા હોદેદારોનાં ધડાધડ રાજીનામા પડી રહયા છે અને જુથવાદ વકર્યો છે. આવા સંજોગોમાં પ્રભારી રાજીવ સાતવજીએ કડક વલણ અપનાવી ઇન્દ્રનીલ રાજયગુરૂનું રાજીનામું સ્વીકારી લીધાની જોરદાર ચર્ચા જાગી છે.

અને આ સંદર્ભે રાજીવજી આજે દિલ્હી દોડી ગયા હોવાનું કોંગ્રેસનાં સુત્રો જણાવી રહયા છે.

આ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ઇન્દ્રનીલ રાજયગુરૂએ રાજીનામું આપ્યા બાદ તેના સમર્થનમાં ૧૭ કોર્ર્પોરેટરો તથા ર૦૦ થી વધુ કોંગી હોદેદારો-કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે. જેના કારણે પ્રદેશ કોંગ્રેસમાં જબરો ખળભળાટ મચી ગયેલ અને રાજકોટ કોંગ્રેસનો જુથવાદ પ્રદેશ આગેવાનો માટે માથાનાં દુઃખાવા સમાન બની ગયો હતો. દરમિયાન ગુજરાતનાં પ્રભારી રાજીવ સાતવજીએ કડક વલણ અપનાવીને કોઇને મનાવવાની થિયરી નહી અપનાવી જે જે લોકો રાજીનામા આપી રહયા છે.

તેના રાજીનામા સ્વીકારી લેવાનો નિર્ણય લીધાનું અને ઇન્દ્રનીલ રાજયગુરૂએ આપેલું રાજીનામુ સ્વીકારી લીધાનું તેમજ આ મુદ્દે રાજીવ સાતવ આજે દિલ્હી દોડી ગયાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આજે રાજકોટમાં કોંગ્રેસના ધરણા છે. તેમાં રાજીવજી આવવાના હતા તેઓ અહી આવ્યા નથી અને દિલ્હી દોડી ગયાનું બહાર આવ્યું છે.  દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા પણ તેઓના સમાજનાં ધારાસભ્યોને લઇને ગઇકાલે પ્રદેશ અમિત ચાવડાને મળ્યા હતા. પરંતુ તેઓ સાથે પણ પ્રદેશ પ્રમુખે પાર્ટી લાઇનની વાત જ કર્યાનું જાણવા મળ્યું છે.

આમ ગુજરાત કોંગ્રેસમાં હવે મનામણા નહી કરવાની થિયરી અપનાવાયાનું બહાર આવતા રાજીનામું આપનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

(3:51 pm IST)