રાજકોટ
News of Friday, 29th June 2018

અમે ઇન્દ્રનિલભાઇ સાથે નથીઃ ધર્મિષ્ઠાબા-મયુરસિંહ જાડેજા

વોર્ડનં.૧૮ના કોંગી કોર્પોરેટરે શહેર પ્રમુખને પત્ર પાઠવી અને જણાવ્યું કે 'અમારૂ ઇન્દ્રનિલભાઇને સમર્થન નથી અમે રાજીનામું નહિ આપીએ'

રાજકોટ, તા. ,૨૯: શહેર કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધડાધડ રાજીનામા પડી રહયા છે ત્યારે શહેરનાં વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજાએ શહેર કોંગ્રેસનાં પ્રમુખ મહેશ રાજપુતને પત્ર પાઠવી અને ઇન્દ્રનિલભાઇ સામે બેફામ આક્ષેપો કર્યા છે અને તેઓ ઇન્દ્રનિલભાઇની સાથે નહી હોવાનું અને તેઓને સમર્થન નથી આપ્યું તેવું પત્રમાં જણાવ્યું છે.

આ પત્રમાં ધર્મિષ્ઠાબા જાડેજા તથા કોંગી અગ્રણી મયુરસિંહ જાડેજા એ જણાવ્યું છે કે, જે ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂના સમર્થનમાં જે નગરસેવક દ્વારા રાજીનામા આપવાની વાત કરવામાં આવી છે તે નીંદનીય છે પરંતુ આમા તથ્ય કેટલું છે તે કોઇ જાણતું નથી ભુતકાળમાં પણ ધારાસભા ની ટીકીટ વહેંચણી વખતે ઇન્દ્રનીલભાઇ દ્વારા નગર સેવકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

 પત્રમાં વધુમાં જણાવ્યું છેકે, પક્ષ પ્રમુખ દ્વારા સાચી તપાસ કરવામાં આવે તો આ નગરસેવકો માંથી ઘણા એવા હશે જેમને રાજીનામાની જાણ પણ નહી હોય અને જો હંમેશા પક્ષના હિતમાં સાથે રહેતા હશે. વારંવાર આવા બનાવો બનવાને કારણે કયાંક ને કયાંક કોંગ્રેસ નગર સેવકોમાં વિખવાદ ઉભો કરવામાં આવે છે. આવા લોકોને હું કયારેય સમર્થન નથી કરતી કોંગ્રેસ કોઇ વ્યકિત નહી પરંતુ એક વિચારધારા છે. અને કોઇ વ્યકિત થી કોંગ્રેસ નથી પરંતુ કોંગ્રેસ પક્ષને લીધે વ્યકિત ની ઓળખાણ છે તે ભુલવું ન જોઇએ પક્ષ દ્વારા ઇન્દ્રનીલભાઇ તથા તેની ટીમ આટલું મળવા છતાં જે તેઓ પક્ષનો વિરોધ કરતા હોય તો એક કોંગ્રેસી  તરીકે અમે એને કયારેય સમર્થન નથી આપતા. માટે પક્ષનાં હિતમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તો ખરા અર્થમાં રાજકોટ શહેરમાં જુથવાદ નોં અંત આવે તેમ પત્રમાં અંતે જણાવ્યું છે.

(3:48 pm IST)