રાજકોટ
News of Friday, 29th June 2018

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણી ગેરબંધારણીય હોવાનું પક્ષકારોએ સ્‍વીકારતા ચૂંટણી મોકૂફ રાખવા હુકમ

ચેરીટી કમિશ્નર સમક્ષ કાર્યવાહી પ્રમુખ તથા ચૂંટણી કમિશ્નરે ચૂંટણી ગેરબંધારણીય હોવાની લોહાણા અગ્રણીઓની હાજરીમાં સ્‍વીકૃતિ આપી

રાજકોટ, તા. ૨૯ : તા.૨૦-૬-૧૮ના રોજ ‘‘અકિલા''માં મહાજનની ચૂંટણી ગેરબંધારણીય હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલ. તે સમાચારને બેઈઝ બનાવી રાજકોટના લોહાણા જ્ઞાતિબંધુ ચંદ્રકાંત ભીખાભાઈ ખખ્‍ખર તથા અન્‍ય એક અરજદાર હિતેષ વિઠ્ઠલાણી નામના ચેરીટી કમિશ્નર શ્રી - રાજકોટ સમક્ષ કલમ - ૪૧(એ) હેઠળ ડાયરેકશન માંગતી અરજી દાખલ કરેલ. જેમાં મનાઈ હુકમ વચગાળાની દાદ માંગી અને ચૂંટણી રદ્દ કરવાની પણ દાદ માંગી હતી.

તે અન્‍વયે અરજદાર અને સામાવાળાઓ - ટ્રસ્‍ટીઓની હાજરીમાં સુનાવણી શરૂ થયેલ. સામાવાળાઓ પાર્ટી ઈન પર્સન તરીકે ખુદ હાજર રહેલ અને અરજદાર ચંદ્રકાંત ભીખાલાલ ખખ્‍ખર વતી રાજકોટના નામાંકિત એડવોકેટ શ્રી રવિભાઈ બી. ગોગીયા અને બીજા કેસના અરજદાર શ્રી હિતેષ વિઠ્ઠલાણી વતી એડવોકેટ શ્રી શ્‍યામલભાઈ સોનપાલે લોહાણા મહાજનના બંધારણ અન્‍વયે વિસ્‍તૃત છણાવટ કરી અને હાઈકોર્ટના ચુકાદાઓ સાથે ધારદાર દલીલ કરતાં નામદાર સંયુકત ચેરીટી કમિશ્નરશ્રીએ ચૂંટણીની આગળની કાર્યવાહી ઉપર તમામ પક્ષકારોની સહમતીથી સ્‍ટે ફરમાવેલ હતો.

આ કામમાં પક્ષકારોએ નામદાર જોઈન્‍ટ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ સમાધાનકારી વલણ અપનાવી બંધારણ મુજબની ચૂંટણીની કલમ મુજબ ચૂંટણી થાય તે માટે અલાયદા નિયમો બનાવી તે અંગે કાયદાકીય કાર્યવાહી કરી તે નિયમો અંગે જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાનું નક્કી કરેલ અને ત્‍યાં સુધી તા.૧૮ જુલાઈના રોજ યોજાનાર પ્રમુખની ચૂંટણી મુલત્‍વી રાખવા સહમતી આપી હતી. તે મુજબ નામદાર ચેરીટી કમિશ્નરશ્રીએ વચગાળાનો મનાઈ હુકમ ફરમાવેલ છે.

આજરોજ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ સામાવાળાઓ રાજકોટ લોહાણા મહાજનના કાર્યકારી પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી, ચૂંટણી કમિશ્નર શ્રી રામભાઈ બરછા, શ્રી જનકભાઈ કોટક, શ્રી પ્રતાપભાઈ કોટક, શ્રી અનિલભાઈ વણઝારા, જશુમતીબેન વસાણી વગેરે હાજર રહ્યા હતા.

આ કામમાં ચંદ્રકાંત ભીખાભાઈ ખખ્‍ખર વતી એડવોકેટ શ્રી રવિભાઈ ગોગીયા, શ્રી નિખિલભાઈ ગોગીયા, શ્રી હિરેનભાઈ રૈયાણી, દક્ષાબેન ગણાત્રા, ચાર્મીબેન રાવલ રોકાયેલ હતા.

જયારે અન્‍ય કેસના અરજદાર શ્રી હિતેષભાઈ વિઠ્ઠલાણી વતી એડવોકેટ શ્રી શ્‍યામલભાઈ સોનપાલ, શ્રી મલ્‍હાર સોનપાલ, શ્રી મનોજભાઈ તંતી, શ્રી નિલેશ વેકરીયા, શ્રી વિશાલ સોલંકી અને કોમલબેન કોટક રોકાયેલ હતા.

(3:42 pm IST)