રાજકોટ
News of Friday, 29th June 2018

વિરપુરના સંજય ગઢવીનું રાજકોટમાં રૈયા ચોકડીથી અપહરણ?: ગવરીદળમાં ધોકાવી ડુંગર પરથી ફેંકયો!

ગાયક મિત્ર કુલદીપ ગઢવીના સ્ટુડિયોએ આવ્યો ત્યારે તેના કેમેરામેન વિજય ચોૈહાણે દારૂ પીવડાવ્યા બાદ માથાકુટ થતાં કુલદીપ અને વિજયએ બાઇકમાં ઉઠાવી જઇ ગવરીદળના મંદિરમાંથી લોખંડનો ચિપીયો લાવી માર મારી ફેંકી દીધાનો સંજયનો આક્ષેપ : પોલીસ તપાસમાં જાતે જ ગવરીદળ ગયાનું અને ત્યાં મારામારી થયાનું ખુલ્યું

રાજકોટ તા. ૨૯: વિરપુર (જલારામ) ખાતે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ગઢવી યુવાનને તે રાત્રે રાજકોટ રૈયા ચોકડીએ સ્ટુડિયો ધરાવતાં તેના જ ગાયક મિત્ર ગઢવી યુવાનના સ્ટુડિયોની અગાસીએ હતો ત્યારે ગાયકના કેમેરામેને દારૂ પીવડાવ્યા બાદ માથાકુટ થતાં ગાયક અને કેમેરામેન એમ બંનેએ મળી સ્ટુડિયોમાં મારકુટ કર્યા બાદ બાઇકમાં અપહરણ કરી ગવરીદળ લઇ જઇ એક મંદિરમાંથી લોખંડનો ચિપીયો લાવી તેનાથી મારકુટ કર્યા બાદ ડુંગર ઉપરથી નીચે ફેંકી દેતાં ઇજા થતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. આ યુવાને જણાવેલી કહાનીમાં કેટલું તથ્ય છે? તે અંગે પોલીસે તપાસ શરૂ કરતાં અપહરણ નહિ થયાનું અને બધા સાથે ગવરીદળ ગયા બાદ મારામારી થયાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ સવારે સાતેક વાગ્યે એક યુવાનને ગવરીદળથી માથા-શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેણે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને રૈયા ચોકડીએ સ્ટુડિયો ધરાવતાં ગાયક કુલદીપ ગઢવીની ઓફિસમાં કુલદીપ ગઢવી તથા તેની સાથે કેમેરામેન તરીકે કામ કરતાં વિજય ચોૈહાણે મારકુટ કરી બાઇકમાં બેસાડી ગવરીદળ લઇ જઇ ત્યાં પણ લોખંડના ચિપીયાથી માર માર્યાની અને ડુંગર પરથી ફેંકી દીધાની વાત કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.

સંજયએ જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે અને રાજકોટ રૈયા ચોકડીએ સ્ટુડિયો ધરાવતાં ગાયક કુલદીપ ગઢવીનો મિત્ર હોઇ ત્યાં અવાર-નવાર આવ જા કરે છે. તેની સાથે એક વિડીયો આલ્બમમાં પોતે અભિનય પણ કર્યો છે. ગઇકાલે એક કંપનીમાં ડ્રાઇવરની નોકરીની ભરતી હોઇ પોતે રાજકોટ આવ્યો હતો અને રાત્રે સાડા નવેક વાગ્યે કુલદીપના રૈયા ચોકડીએ આવેલા આદી યોગી ફિલ્મ્સ નામના સ્ટુડિયોએ ગયો હતો. અહિ પોતે સ્ટુડિયો જે કોમ્પલેક્ષમાં છે તેની ત્રીજા માળની અગાસીએ હતો ત્યારે કુલદીપના કેમેરામેન વિજય ચોૈહાણે દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં બોલાચાલી થતાં પોતાને સ્ટુડિયોમાં પુરીને વિજય તથા કુલદીપે મારકુટ કરી હતી. એ પછી બાઇકમાં બેસાડી ગવરીદળ લઇ જવાયો હતો. જ્યાં ડુંગર પર મંદિર હોઇ મંદિરમાંથી ચિપીયો લાવીને તેનાથી માર માર્યો હતો.

સંજયએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પુરાવા રહેવા નથી દેવા તેમ કહી વિજય અને કુલદીપ તેના ચપ્પલ પણ લઇ ગયા હતાં અને બે મોબાઇલ ફોન પણ પડાવી લીધા હતાં. તેમજ આ ફોનના લોકેશન મુંબઇ તરફ મળશે તેવી વાત કરી હતી. એ પછી પોતાને ડુંગર પરથી ફેંકી દીધો હતો. પોતે સવારે ભાનમાં આવ્યો ત્યારે નજીકના ઝૂપડાવાળાઓની મદદ લઇ ૧૦૮ને જાણ કરી તેના મારફત હોસ્પિટલે આવ્યો હતો.

ગાંધીગ્રામના પીએસઆઇ એમ. ડી. વાળા અને રાઇટર વિરભદ્રસિંહએ હોસ્પિટલે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. જો કે પોલીસ તપાસમાં આ યુવાન પોતાને જાતે જ ગવરીદળ ગયાનું અને ત્યાં માથાકુટ-મારકુટ થયાનું જણાવાયું હતું. દારૂ પણ નહિ પીધાનું અને જુના શુટીંગના મનદુઃખને લીધે મારામારી થયાનું પણ બહાર આવ્યું હતું.

(11:22 am IST)