રાજકોટ
News of Friday, 29th June 2018

રાજકોટના વીજ અધિકારીએ માહિતી અપીલના દસ્તાવેજો ગુમ કર્યાની મુખ્યમંત્રીને ફરીયાદ થતા ખળભળાટ

વીજ ચોરીના ખોટા દસ્તાવેજો ઉભા કરવા માટેનો અધિક્ષક ઇંજનેરનો આદેશ વિજયભાઇ રૂપાણીને મોકલાવાયો : રાજકોટના વીજ ગ્રાહક રમણીકલાલ મહેતાએ ધોકો પછાડતા વીજ અધિકારીઓમાં સોપોઃ ભારે દોડધામ : વીજઅધિક્ષક વ્યાસને પણ પત્રઃ દસ્તાવેજના રેકર્ડમાં જે ગુમ થયેલ છે તેની તપાસ નહી થાય તો વીજ કચેરીમાં આત્મવીલોપન કરવાની ચેતવણીઃ ૬ દિ' પહેલા પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૨૮: અહીંના નાના મવા ૪૦ ફુટ રોડ ઉપર આવેલ પ્રિયદર્શીની સોસાયટી, શેરીનં. ૬માં રહેતા રમણીકલાલ કાળીદાસ મહેતાએ રાજયના મુખ્યમંત્રી શ્રી  વિજયભાઇ રૂપાણીને ચોંકાવનારી ફરીયાદ કરી પોતાની ઉપર ખોટી રીતે વિદ્યુત ચોરીનો કેસ-ખોટા દસ્તાવેજો ઉભા કરવા માટેનો રાજકોટ વીજતંત્રના અધિક્ષક ઇંજનેરનો તા. ૧૫-૬-૨૦૧૮નો આદેશ નં. ૩૨૩૨ તથા તે સામે માહિતી અપીલ કમિશ્નરના ઠરાવ વિગેરે બાબતો મોકલાવતા સનસનાટી મચી જવા પામી છે.

મુખ્યમંત્રીને પાઠવેલ ફરીયાદમાં રમણીકલાલ કાળીદાસ મહેતાએ ઉમેર્યુ છે કે, આ સાથે જોડેલા આદેશમાં જે માહિતી આપે છે તે સંંપુર્ણ ખોટી, બનાવટી, વિશ્વાસઘાતી, છેતરપીડીંંવાળી માહિતી છે.કારણકે અમારી અપીલના આ સાથે જોડેલા જે તે સયમના માહિતી કમિશ્નર કોર્ટ-૧ અને કોર્ટ-૨ના દસ્તાવેજી પુરાવા તેમજ હુકમો, ઠરાવો અને તેઓને વિદ્યુત સતાધીશ અધિકારીઓની સ્પષ્ટતા આ અરજીની સાથે દસ્તાવેજી પુરાવા સામેલ છે.

ઉપરોકત અપીલમાં સ્પષ્ટતા થાય છે કે મીટરના કોઇપણ સીલ જેવા કે ટી.સી.સીલ, મીટરબોક્ષ સીલ તુટેલા નથી અને તેઓની સ્પષ્ટ ગેરરીતી સાબીત થતા ઉપરોકત માહિતી અપીલના દરેક દસ્તાવેજો તેઓએ ગુમ કરેલ છે. તેની ખાત્રી તેઓના દસ્તાવેજ ચેકીંગ સીટની પ્રમાણીત નકલ આ સાથે સામેલ છે. તેઓના જ સતાધિકારીની સ્પષ્ટતા પણ સામેલ છે. તેમજ બંને કોર્ટના કમિશ્નરના ઠરાવો અને હુકમો પણ સામેલ કરાયા છે. તે અધિક ઇંજનેરશ્રીએ જે ૩૨૩૨ નો આદેશ આપેલ છે તે પછીની કાર્યવાહીના આદેશો તેઓએ ગુમ કરી ડોકયુમેન્ટનો નાશ કરેલ છે. તો આ માટે આપ યોગ્ય કરશો.

આ સાથે ઉર્જા સચિવશ્રી, રાજકોટ કલેકટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી તેમજ એન્ટીકરપ્શન બ્યુરોને પુરાવા સાથે યોગ્ય કરવા માટે રજુઆત કરેલ છે. ઉપરોકત અધિક્ષક ઇંજનેરને ઓફીસના લીગલ ડોકયુમેન્ટમાં ગુમ કરવાનો કોઇ અધિકાર નથી. આ હુકમોથી તેઓની ગેરરીતી સાબિત થતા ઠરાવોનો નાશ કરેલ છે. તો આ સતાધિકારીઓ સામે યોગ્ય શિક્ષાત્મક પગલા લેવા વિનંતી કરું છું.

આ સાથે માહિતી આયોગના દરેક ઠરાવો તેમજ તેની પ્રમાણીત નકલો તેમજ તેઓની સ્પષ્ટતા, તેમજ માહિતી કોર્ટના દરેક ઠરાવો, આદેશો સામેલ કરું છું તો યોગ્ય કરવા વિનંતી. આ ઉપરાંત શ્રી રમણીકલાલ કાળીદાસ મહેતા વીજ તંત્રના અધીક્ષક ઇજનેર પી. એમ.વ્યાસને પત્ર પાઠવી ઉમેર્યુ છે કે, તા. ૩૦-૮-૧ર ના રોજ માહિતી કમિશ્નર તેમજ તા. ૧૩-ર-ર૦૧૩ ના માહિતી કમિશનર  મારફત મળેતે દસ્તાવેજની ઝેરોક્ષ આ સાથે સામેલ છે.ઉપરોકત બંને કોર્ટના ઠરાવ, હુકમ અને સ્પષ્ટતા આ હુકમમાં આપેલ છે તેમજ આપની કચેરીમાં અગાઉ જે બોગસ દસ્તાવેજ બનેલ અને મીટરના સીલ ચેડા તેમજ મેટલ મીટર બોક્ષના સીલ ચેડા થવાથી ૧ર૬ અને ૧ર૭ કલમ ખોટી લગાવેલ.

આ આદેશમાં સ્પષ્ટતમાં અધિક્ષક ઇજનેર અને અપીલ અધિકારી જણાવે છે કે ચેકીંગ સીટી નં. આરઆરસી નં. ૧૩૧૮૦૪ ના મીટર કોલમ નં. ૭ માં ચેકીંગ સમયે ટીસી સીલ સામે નંબર વંચાતો ન હોવાથી ટીસી સીલ અવાચ્ય છે. સીલ સાથે કોઇ ચેડા નથી કે સીલ ગાયબ નથી. તો ન્યાયની પ્રણાલીને અનુસરી આપે આ આદેશ મુજબ અમોએ કોઇ ચેડા કરેલ જ નથી તેમજ આ કોલમ ૬ માં મેટલ મીટર બોક્ષ મુકેલ જ નથી. તેથી મેટલ મીટર બોક્ષ સાથે ચેડા થયેલ નથી.

ન્યાય પ્રણાલી મુજબ જ મને ઠરાવ હુકમ મળેલ છે.

ઉપરોકત ઠરાવ હુકમ અને આદેશો આ રેકર્ડમાંથી આપે ગુમ કરેલ છે. આ આદેશો ફરીથી આપને મોકલુ છું. આ આદેશથી સાબીત થાય છે કે એપેલેટ ઓથોરીટીએ બતાવેલ દસ્તાવેજ બોગસ છે. જે બોગસ દસ્તાવેજ ગ્રાહક ફોર્મે ગ્રાહ્ય રાખેલ છે. પરંતુ અમને આ બંને હુકમોથી સંતોષ ન થતા  માહિતી આયોગ અપીલ ર૦૦પ માં અમે ન્યાય માટે માહિતી માંગેલ. આ માહિતીમાં ગેરરીતિ સાબીત થતા તમે અગાઉ જે વિદ્યુત ચોરીનો  દસ્તાવેજ બનાવેલ છે તે ગુન્હાહિત કૃત્ય છે. ભારતીય સંવિધાન મુજબ માહિતી આયોગના દસ્તાવેજોનો તમે સ્વીકાર કરવાની ના પાડો છો. તેમજ મૌખિક જણાવો છો કે 'આ દસ્તાવેજ સ્વીકારવા કે ન સ્વીકારવા તે મારી સત્તાની વાત છે, તમારે થાય તે કરી લો, આ દસ્તાવેજ હુ સ્વીકારીશ નહિં' આમ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી અને પોલીસ કમિશનર અને કલેકટરને જાણ કરે કે રમણીકભાઇ કાળીદાસ મહેતા આત્મ વિલોપનની ધમકી આપે છે. આ ધમકી મે આપેલ નથી પરંતુ લેખિત જણાવેલ છે કે ઉપરોકત દસ્તાવેજના રેકર્ડમાં જે ગુમ થયેલ છે તેની તપાસ નહીં થાય અને રેકર્ડ સાથે તમે ચેડા કરશો તો હું આપની કચેરીમાં આવી આત્મ વિલોપન કરીશ. જે હજુ પણ તમને લેખીત આપુ છું. જો ઉપરોકત દસ્તાવેજ મુજબ મને ન્યાય નહિં મળે તો આત્મ વિલોપન કરતા પહેલા કલેકટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી અને રાજયપાલને ૭ર કલાક પહેલા જાણ કરી તમારી કચેરીમાં આત્મ વિલોપન કરીશ, જેની નોંધ લેશો. (૧.૧૯)

 

(3:59 pm IST)