રાજકોટ
News of Monday, 29th May 2023

માનસતા ચોકના પ્‍લાયવૂડના વેપારી સાથે હરિયાણવી શખ્‍સની બે લાખની છેતરપીંડી

લક્કી નામના શખ્‍સે પ્‍લાયવૂડનો માલ મોકલવાના નામે બે લાખ આંગડિયાથી મેળવી લીધા બાદ હાથ ઉંચા કરી દીધાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૯: ગોંડલ રોડ માનસતા ચોકના પ્‍લાયવૂડના વેપારી સાથે હરિયાણાના શખ્‍સ તથા તેના ભાગીદારે પ્‍લાયવૂડનો માલ મોકલવાના નામે બે લાખ મેળવી લીધા બાદ માલ ન મોકલતાં અને રૂપિયા પણ પાછા ન આપતાં ઠગાઇનો ગુનો નોંધાયો છે.

આ બનાવમાં પોલીસે સોરઠીયા વાડી ૮૦ ફુટ રોડ સત્‍યમ્‌ પાર્ક-૩ બ્‍લોક નં. ૪૮માં રહેતાં અને ગોંડલ રોડ માનસતા ચોકમાં વિસોત ટીમ્‍બર મર્ચન્‍ટ નામે પ્‍લાયવૂડ-લાકડાનો વેપાર કરતાં નિકુંજભાઇ અમરતલાલ જોગી (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી હરિયાણા યમુના નગરના લક્કીભાઇ અને એક મોબાઇલ નંબરના ધારક વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. બે લાખની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

નિકુંજભાઇએ જણાવ્‍યું છે કે ૨૦૨૨માં  લાતી પ્‍લોટમાં એક ભાઇ પ્‍લાયવૂડનો માલ ભરીને આવ્‍યા હોઇ તેની સાથે મારે પ્‍લાયવૂડની ખરીદી માટે વાત થતાં એ ટ્રકના ડ્રાઇવરે મને હરિયાણા યમુનાનગરની ફેક્‍ટરીનું સરનામુ આપી ફેક્‍ટરીના માલિક લક્કીભાઇનો મોબાઇલ નંબર આપ્‍યો હતો. જેથી મેં અને મારા ભાઇ રાજેન્‍દ્રભાઇ જોગીએ ૬/૭/૨૨ના રોજ હરિયાણા યમુનાનગર ખાતે જઇ હોટેલમાં રોકાણ કરી લક્કીભાઇને ફોન કરી પ્‍લાયવૂડ ખરીદવાની વાત કરી હતી. તેમજ અમને તેમની ફેક્‍ટરીએ લઇ જવાનું કહેતાં લક્કીભાઇએ તેના માણસ તરીકે તરૂણ હુડ્ડા ઉર્ફ હેપ્‍પીને અમારી પાસે મોકલ્‍યો હતો.

ત્‍યારબાદ અમને લક્કીભાઇની ફેકટરીએ લઇ જવાયા હતાં. અમે ભાવતાલ કરી રૂા. ૧૧,૭૮,૨૨૦નો પ્‍લાયવૂડનો માલ ખરીદવાનું નક્કી કરી એડવાન્‍સમાં રૂા. ૨ લાખ અને માલની ડિલીવરી સમયે ૨,૭૧,૨૨૦ ચુકવવાનું તથા બાકીના રૂા. ૮,૩૪,૧૭૯ ટેક્‍સ સહિત માલ આવ્‍યા બાદ ૪૫ દિવસની અંદર ચુકવી દેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ અમે રાજકોટ આવી ગયા બાદ ૨૩/૭ના રોજ લક્કીભાઇએ મને ફોન કરી કહેલું કે મારા ભાગીદાર તમને ઓર્ડર મુજબ માલ તથા રકમની ચિઠ્ઠી મોકલે તેના પર આંગડિયાથી ૨ લાખ કરી દેજો. આ પછી ૨૫/૭ના તેના ભાગીદારના નામે એક વ્‍યક્‍તિએ વ્‍હોટ્‍સએપથી ઓર્ડરની નોંધ અને રકમની ચિઠ્ઠી મોકલતાં મેં એ દિવસે જ વિજય પ્‍લોટમાં જઇ બે લાખનું આંગડિયુ કર્યુ હતું.

આઠ દિવસમાં મને ઓર્ડર મુજબ માલ મળી જશે તેમ કહેવાયું હતું. પરંતુ બાદમાં માલ ન મોકલી ગોળ ગોળ જવાબો આપવાનું ચાલુ થયું હતું. છેલ્લે મેં તેને પ્‍લાયવૂડનો માલ ન મોકલવો હોય તો મારા બે લાખ પાછા મોકલો તેમ કહેતાં તેણે જવાબ આપ્‍યો નહોતો. આજ સુધી માલ ન મોકલી રકમ પણ ન આપતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં નિકુંજભાઇએ જણાવતાં હેડકોન્‍સ. ભાવેશભાઇ વસવેલીયાએ ગુનો નોંધ્‍યો છે. આગળની તપાસ કરણભાઇ વિરસોડીયા ચલાવી રહ્યા છે.

(4:43 pm IST)