રાજકોટ
News of Sunday, 29th May 2022

માત્ર ૪૦ હજારની જરૂરીયાતમાં અમીન માર્ગના બંગલોના ચોકીદાર વિષ્‍ણુભાઈ સોનીને મોતને ઘાટ ઉતારી દેનાર અનિલ રાજસ્‍થાની ઝડપાયો

દિવાળી ઉપર પ્રવિણભાઈના પુત્રના કહેવાથી બંગલોની સાફ સફાઈ માટે આવેલા અનિલે બંગલાની ગતિવિધિ જાણી લીધી હોય ચોરી માટે હત્‍યા કરી નાખી : ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્‍ચ : ઘટનાસ્‍થળેથી કોટેચા ચોક - એસટી બસ સ્‍ટેન્‍ડ થઈ બસ મારફત રાત્રે ૩ વાગ્‍યે અમદાવાદના ઈસ્‍કોન ટેમ્‍પલ નજીક ઉતરેલા અનિલ રાજસ્‍થાનીનું પગેરૂ રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચના પીએસઆઈ એમ.જે. હુણના નેજા તળેની ટુકડીએ દબાવી સફળતા મેળવી : ૨૫મીએ રાત્રે ૮ વાગ્‍યા બાદ વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બિલ્‍ડર પ્રવિણભાઈ પટેલના બંધ બંગલોમાં ચોકીદારી કરતાં વૃદ્ધને ગળે ટૂંપો દઈ ડોક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી પતાવી દીધા હતા

રાજકોટ, તા. ૨૮ : ૨૫મીની રાત્રે અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બિલ્‍ડર પ્રવિણભાઈ પટેલના ઈશાવાસ્‍યન નામના બંગલોની કમ્‍પાઉન્‍ડ વોલ ટપી પ્રવેશેલા અજાણ્‍યા યુવાને પ્રથમ માળે ડ્રોઈંગ રૂમમાં ચોકીદાર વિષ્‍ણુભાઈ ચકુભાઈ ઘુચલા (ઉ.વ.૬૮)ની ગળેટૂંપો આપી સૂયો કે ડીસમીસ જેવા હથિયારના ઘા ઝીંકી હત્‍યા કરી નાખી હતી. આ ઘટનાનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચે સીસીટીવી સર્વેલન્‍સના આધારે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી હત્‍યારા અનિલ રાજસ્‍થાનીને ગુજરાત અને રાજસ્‍થાનની બોર્ડર નજીકથી ઝડપી લીધો છે.
માત્ર ૪૦ હજારની જરૂરીયાત સંતોષવા બંગલામાં ચોરીના ઈરાદે ઘુસેલા અનિલે નિર્દોષ વિષ્‍ણુભાઈની હત્‍યા કરી નાખ્‍યાનું બહાર આવ્‍યુ છે. ૩૮ વર્ષથી પ્રવિણભાઈ પટેલની ઓફીસમાં નોકરી કરતા વિષ્‍ણુભાઈ પટેલ પરિવાર વડોદરા શીફટ થયા બાદ તેમના બંગલોની દેખરેખ રાખતા હતા અને રાત્રે ત્‍યાં જ સૂઈ જતાં હતા. હત્‍યારા અનિલે ઠંડા કલેજે તેમની હત્‍યા કરી ગણતરીની મિનિટોમાં ઘટનાસ્‍થળેથી ચાલતી પકડી હતી. અજાણ્‍યો હત્‍યારો કોઈપણ જાતની હો હા વગર ધીમે ધીમે કોટેચા ચોક સુધી પહોંચ્‍યો હતો અને ત્‍યાંથી રીક્ષા પકડી એસટી બસસ્‍ટેન્‍ડ થઈ અમદાવાદના ઈસ્‍કોન ટેમ્‍પલ નજીક રાત્રે ૩ વાગ્‍યે ઉતર્યો હતો. ક્રાઈમ બ્રાન્‍ચની એક ટુકડીએ સતત મળતા રહેતા ફૂટેજના આધારે પગેરૂ દબાવવાનું ચાલુ રાખ્‍યુ હતું. જેની રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી આગળ સુધી કડી એકત્ર કરી સાંકળ રચવામાં આવી હતી. આજે  સવારે હત્‍યારા અનિલને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાન્‍ચની ટુકડીને સફળતા મળી હતી. આ લખાય છે ત્‍યારે પીએસઆઈ હુણના નેજા તળેની ટુકડી હત્‍યારાને લઈને રાજકોટ આવવા માટે રવાના થઈ ગઈ છે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્‍ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ડી.વી. બસીયા, પી.આઈ. વાય.બી. જાડેજા, પીઆઈ જે.વી. ધોળા સહિતના અધિકારીઓ ઘટના બની ત્‍યારથી સતત ૪૮ કલાકથી હત્‍યારાને ઝડપી લેવા માટે પ્રયત્‍નશીલ હતા. જેને આજે સવારે સફળતા સાંપડી હતી.

હત્‍યારા અનિલ મીણાને ઝડપી લેવાની સફળ કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમ
રાજકોટ તા. ૨૮: વિષ્‍ણુભાઇ ચકુભાઇ ઘુંચલા (સોની) (ઉ.વ.૬૮)ની ચોરીના ઇરાદે હત્‍યા કરી નાખનાર રાજસ્‍થાનના ભોરાઇ (જી. ઉદયપુર)ના અનિલ કરમાભાઇ મીણા (ઉ.વ.૧૯)ને ઝડપી લેવાની સફળ કામગીરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના નેજા તળે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, પીએસઆઇ જી. કે. પરમાર, હેડકોન્‍સ. અમિતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, મશરીભાઇ ભેટારીયા, મયુરભાઇ મિયાત્રા, દિગપાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, અરૂણભાઇ બાંભણીયા તથા કોન્‍સ. સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, ભાવેશભાઇ ગઢવી અને હિતેષભાઇ અગ્રાવતે કરી હતી.

 

(3:53 pm IST)