રાજકોટ
News of Sunday, 29th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં ભાવિકોની કલ્‍પનાતિત ઉપસ્‍થિતિ : ‘જય શ્રી રામ'

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવ સહિતના તમામ ડાયરેકટર્સ ઉપસ્‍થિત રહ્યા : ૨૯ મે રવિવાર પૂર્ણાહુતિના દિવસે શ્રી રામકથાનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે : કથા બાદ મહાપ્રસાદ

રાજકોટ તા. ૨૮ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૯ મે, ૨૦૨૨ સુધી શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કૂલ મેદાન રાજકોટ ખાતે સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્‍યા દરમિયાન અલૌકીક - દિવ્‍ય - ભવ્‍ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રી રામકથાના સતત સાતમા દિવસે ભાવિકોની કલ્‍પનાતિત ઉપસ્‍થિતિ જોવા મળી હતી અને હજ્‍જારો ભાવિકો શ્રી રામનામમાં લીન બન્‍યા હતા.
ગઇકાલે કથા શ્રવણ કરવા માટે ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના ધારાસભ્‍ય શ્રી વિજયભાઇ રૂપાણી, ભાજપ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્‍ણવ સહિતના તમામ ડીરેકટર્સ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા અને વ્‍યાસપીઠ ઉપરથી મુખ્‍યવકતા પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ મેળવ્‍યા હતા. તેમની સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, જીતુભાઇ ચંદારાણા તથા સમગ્ર ટ્રસ્‍ટી મંડળ, સિધ્‍ધાર્થ છબીલભાઇ પોબારૂ વિગેરે જોડાયા હતા. કથા વિરામ બાદ હજ્‍જારો લોકોએ શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ પણ લીધો હતો અને સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં શ્રી અશોકભાઇ ભાયાણીના મધુર કંઠે શ્રી રામધૂનનો લ્‍હાવો લીધો હતો.
રાજકોટ વણિક સમાજમાંથી અને ખાસ ઢોલરા વૃધ્‍ધાશ્રમમાંથી મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી,ધર્મેશભાઇ જીવાણી, કિરીટભાઇ આદ્રોજા સહિતની સમગ્ર ટીમે પણ શ્રી રામકથાનું રસપાન કરીને ગુરૂજીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશિર્વાદ મેળવ્‍યા હતા.

 

(2:48 pm IST)