રાજકોટ
News of Friday, 29th May 2020

વોંકળા સફાઈમાં કુલ ૨.૪૦ કરોડ ખર્ચાયાઃ ૮૦ લાખનું બીલ શંકાસ્પદ

લોકડાઉનમાં રાજ્યભરમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં સૌ પ્રથમ સ્ટેન્ડીંગ મળી : સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડના વોંકળાની સફાઈમાં કેટલા ફેરા કચરો ઉપાડયો તેની સંખ્યા સ્ટેન્ડીંગની દરખાસ્તમાં દર્શાવી ન હતી છતાં ૮૦ લાખ મંજુરઃ સ્ટેન્ડીંગ કમિટીમાં ૧૦ાા કરોડના વિકાસ કામો મંજુર

સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે મળી સ્ટેન્ડીંગ કમિટી  : કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને આજે મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી યોજાઈ હતી. જેમાં ચેરમેન ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ સભ્ય અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા સેક્રેટરી શ્રી રૂપારેલીયા તથા અન્ય ઉપસ્થિત કોર્પોરેટરો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૯ :. કોરોના સંક્રમણને કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે બે મહિનાથી મ્યુ. કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટી મળી ન હતી. જેના કારણે વિકાસ કામો અટકી પડયા હતા. હવે લોકડાઉન ૪.૦માં છૂટછાટ મળતા રાજ્યભરમાં રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી આજે સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, સેનીટાઈઝેશન સહિતના નિયમોના પાલન સાથે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૧૦.૫૨ કરોડના વિકાસ કામોને લીલી ઝંડી અપાઈ હતી.

આજની સ્ટેન્ડીંગ કમિટીમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ ૧૮ વોર્ડના વોંકળાઓની સફાઈ માટે કુલ ૩ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. જેમાં વોર્ડ નં. ૪, ૫ના ૨૦ ફેરા, વોર્ડ નં. ૬, ૧૫ના ૨૫ ફેરા, વોર્ડ નં. ૧૬, ૧૮માં ૨૭ ફેરા આ મુજબ ટીપરવાનમાં વોંકળાનો ગાળ, માટી, કચરો નાંખીને ફેરા દીઠ બીલ મંજુર કરી કુલ ૧.૯ કરોડનો ખર્ચ મંજુર કરાયેલ.

જ્યારે વોર્ડ નં. ૧, ૭, ૧૯, ૪, ૫, ૨૭, ૬, ૧૫, ૨૪, ૧૬, ૧૧ અને ૨૦ આ તમામ વોર્ડમાં ૩૧ મે સુધીમાં વોંકળાની સફાઈ મોટ રૂ. ૮૦ લાખનું બીલ મંજુર કરાયેલ. (નોંધનીય છે કે આ ૮૦ લાખ કેટલા ફેરાના ચૂકવાયા ? તેનો કોઈ હિસાબ સ્ટેન્ડીંગ કમિટીને અપાયો ન હતો). આમ શહેરમાં વોંકળા સફાઈ માટે કુલ ૨.૪૦ કરોડનો જંગી ખર્ચ આજે સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર થયેલ.

આ ઉપરાંત આજની બેઠકમાં સફાઈ મશીનરીના ૨૦ લાખ, કોમ્પ્યુટર ક્ષેત્રના ૩૪.૫૭ લાખ, ભૂગર્ભ ગટર કામના ૩૯.૬૯ લાખ, રસ્તા કામના ૧.૨૫ કરોડ, પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલના ૨.૨૬ કરોડ, પાણીને લગત કામોના ૭૧.૬૪ લાખ, સફાઈ કાર્યને લગત કામોમાં ૫.૨૧ કરોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧૨.૨૪ લાખ મળી કુલ ૧૦.૫૨ કરોડના વિકાસ કામોને ચેરમેન ઉદય કાનગડે મંજુરી આપી હતી.

(4:07 pm IST)