રાજકોટ
News of Friday, 29th May 2020

ભાજપ યુવા મોરચા દ્વારા સોમવારથી સપ્તાહભર સંપર્ક અભિયાન : નેહલ શુકલ

ડીઝીટલ સંપર્કને પ્રધાન્ય : જિલ્લા-મહાનગરોમાં વિડીયો કોન્ફરન્સ કરી સરકારની ઉપલબ્ધીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે

રાજકોટ તા. ૨૯ : ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલની યાદીમાં જણાવાવ્યા મુજબ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળી હતી. જેમાં યુવા મોરચા માટેના કાર્યક્રમો ઘડી કઢાયા હતા.

તા. ૩૧ ના મનકી બાત કાર્યક્રમ પરિવાર સાથે સાંભળવા સહીત તા. ૧ થી ૭ જુન દરમિયાન વ્યકિતગત સંપર્ક અભિયાન હાથ ધરી આત્મનિર્ભર ભારત  સંકલ્પ, વિશ્વ કલ્યાણ માટે ભારતની ભુમિકા, કોવિડ-૧૯ ના સંક્રમણથી બચવા જરૂરી ઉપાયો સુચવવા, સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ સહીતના કાર્યક્રમો અપાશે.

ડીઝીટલ સંપર્કને પ્રાધાન્ય આપી દરેક બુથ સ્તરે વોટસએપ ગ્રુપ બનાવવા તેમજ સુષુપ્ત ગ્રુપોને ફરી સક્રિય કરવા તેમજ સરકારની સિધ્ધીઓ અંગે વિશેષ ડીઝીટલ બુલેટીન અને વિશેષ અંક પ્રકાશિત કરવા સહીતના કાર્ય થશે. સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વર્ચ્યુઅલ રેલીઓ થશે.

યુવા મોરચા દ્વારા દરેક જિલ્લા - મહાનગરમાં સમાજ અને સમૂહમાં એક સપ્તાહમાં વિડીયો કોન્ફરન્સ કરીને સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે. પ્રદેશ સ્તરેથી તા. ૮, ૯, ૧૦ દરમિયાન જિલ્લા - મહાનગરમાં વિડીયો કોન્ફરન્સ યોજાશે. તેમ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલે જણાવેલ છે.

(3:09 pm IST)