રાજકોટ
News of Friday, 29th May 2020

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સાહેબે કાનુડા મિત્ર મંડળની સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી આર્શીવચન આપ્યા

સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ તથા રાકેશભાઈ રાજદેવને સેવામાં અવિરત તત્પર રહેવા સદ્દબોધ આપ્યો...

રાજકોટઃ રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.તપ સમ્રાટ થી વિહાર કરી તા.૨૮ ના રોજ ધર્મ નગરી રાજકોટમાં પધારેલ   તેઓના દર્શન - વંદન કરવા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ તથા  રાકેશભાઈ રાજદેવ ધર્માલય ખાતે પધારેલ. જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી તથા મનોજ ડેલીવાળાએ પૂ.ગુરુદેવને કાનુડા મિત્ર મંડળના સેવાભાવીઓ દ્રારા કોરોના ના કહેર વચ્ચે પોતાના પ્રાણની પણ કર્યાં વગર સરકારની દિશા નિર્દેશોનું પાલન કરીને કરેલ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓથી માહિતગાર કરેલ.કાનુડા મિત્ર મંડળે લગભગ એક લાખ ઉપરાંત પર પ્રાંતિયોને તેઓના માદરે વતન મોકલવામાં અનેક રીતે સહયોગ પ્રદાન કરેલ.એટલું જ નહીં રોટી ઓન વ્હીલ યોજનામાં પણ   રાકેશભાઈ રાજદેવે  અનુમોદના કરેલ. રાજકોટના હજારો જરૂરિયાતમંદ પરિવારોને જીવનપયોગી ચીજ વસ્તુઓનું વીતરણ કરેલ. માતાજીના મઢમા જઈને માઈ ભકતો વ્યંઢળોને પણ રોકડ સહાય કરેલ. એનિમલ હેલ્પ લાઈન - કરૂણા ફાઉન્ડેશન,વિવિધ પાંજરાપોળ અને ગૌશાળામાં અબોલ જીવોને શાતા પમાડવામાં સહભાગી થયેલ.જુદી - જુદી સંસ્થાઓ દ્રારા રાજકોટમાં ચાલતા નાના - મોટા રસોડામાં પણ માતબર રકમનું અનુદાન આપી સેવા યજ્ઞમાં સહાય કરેલ.

શહેરની આજુબાજુના વિવિધ વૃધ્ધાશ્રમો, બાલાશ્રમ, દિવ્યાંગ બાળકો સહિત અનેક લોકોને વિપદની વેળાએ આ સંસ્થા વ્હારે આવેલ. શહેરમાં એક લાખ ઉપરાંત માસ્કનું વિતરણ કર્યું. આ સંસ્થાએ સાત હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણનુ પણ આયોજન હાથ ઉપર લીધેલ છે. ઝૂપડપટી તથા હાઈ - વે ઉપર જતાં નિરાધારોને રોકડ સહાય કરેલ છે.પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા. સેવાભાવીઓની સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ જાણી આશીર્વાદ અને સાધુવાદ આપતાં કહ્યું કે બહુ જ ઓછા કાર્યકરોથી વિરાટ કાર્ય કરતી આવી અનેરી સંસ્થા મેં કયારેય જોઈ નથી.નાના લોકોને સાચવી લેજો એટલે મોટા આપોઆપ સચવાઈ જશે...વધુમાં પૂ.ગુરુદેવે કહ્યું કે તમારા જેવા લોકોથી જ રાજકોટને સેવા એવમ્ સંસ્થાઓની નગરી તરીકે અનોખી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. તમારા જેવા સેવાભાવીઓથી આ દેશ ટકી રહ્યો છે.સરકારને પણ તમે સહયોગી બન્યાં છો. સેવાનું કાર્ય અવિરત ચાલુ જ રાખજો.જેટલું વાપરશો એનાથી અનેક ગણું આ બધા લોકોના આશીર્વાદથી મળી જશે. કણ વાવશો તો મણના મણ મળશે.

ગુરુદેવે કહ્યું કે કોરોના મહામારીના સમયે અનેક લોકો એક યા બીજી રીતે સમાજને સહાયરૂપ બન્યાં છે,પરંતુ કાનુડા મિત્ર મંડળની ટીમ તન,મન અને ધનથી યોગદાન આપ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. દરેક જીવને પોતાના પ્રાણ પ્યારા હોય છે. તમો લોકો જીવના જોખમે જે કાર્ય કરી રહ્યાં છો તે ખરેખર અનુમોદનીય છે. સંકટના સમયે તમે કરેલી સેવા આ ભવ અને પરભવનું પુણ્યનું ભાથુ બાંધ્યું છે.પર પ્રાંતિઓના મુખ ઉપરની પ્રસન્નતા તમોને યાવતજીવન સ્મરણમાં રહેશે.ટ્રેનમાં મૂલ્યવાન રમકડાઓ આપી તમારા બાળકોથી પણ વધારે પ્યાર અને પ્રેમ તમોએ મજદુરોના ભૂલકાઓ ઉપર વરસાવેલ છે,જે સૌને ચિરઃ સ્મરણીય રહેશે.

પૂજય નમ્રમુનિ મ.સાહેબે જણાવ્યું કે માનવતાના કાર્યો કરી તમોએ ખરેખર માનવ ભવને સાર્થક કર્યો છે.પૂજય ગુરુદેવના દર્શન - વંદન કરી સૌ સેવકોએ ધન્યતા અનુભવેલ તેમ ઉપેન મોદી અને મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(3:07 pm IST)