રાજકોટ
News of Friday, 29th May 2020

બોગસ લોકડાઉન મુકિત પાસ કાઢી આપવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૯: રાજકોટમાં લોકડાઉન દરમિયાન અવરજવર  કરવા, તેમજ દુકાનો ખુલ્લી રાખવા બાબતે કલેકટર કચેરીમાંથી પાસ કાઢી આપવામાં આવતા હોય, આરોપી સંજય લવજી મકવાણાએ વોટસએપ પર જાહેરાત કરી કે પોતે પાસ કઢાવી આપશે. તેના બદલે ૧૦૦ રૂપિયા ચાર્જ વસુલસે. તેણે ૩૬૪ જેટલી અરજીઓ કરેલ જેમાં કલેકટર કચેરીમાંથી ૬૦ ઉપર અરજીઓ મંજુર થઇ હતી, આ અંગે પ્રતિ અધિકારી દ્વારા એવી ફરીયાદ કરવામાં આવી હતી કે  આરોપીને આવો અધિકાર ન હોવા છતાં પાસ કાઢી આપવા અંગે જાહેરાત કરેલ. તેના  પર આઇપીસી ૧૮૮,૨૬૯, ૨૭૦,૪૧૫, ૪૧૭, ૪૨૦, ૪૬૮ વેગેરે મળી કુલ ૧૨ કલમો તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને  એપેડેમિક એકટ વગેરેની કલમો પણ લગાડેલ.

 આ અંગે આરોપી તરફે ઉષાબા ઝાલા જાડેજા દલીલ કરી હતી કે એપેડેમીક  એકટ ૧૮૯૭ની સાલમાં ઘડાયો હતો. જેમાં સુધારો તા. ૨૨/૪/૨૦૨૦માં નોટીફીકેશનથી થયેલ છે. આરોપી સામે  લગાડેલ કલમ ૩ની સજા  આઇપીસી ૧૮૮ મુજબ છે. જે અંગે કોર્ટમાં જ ફરિયાદ થઇ શકે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ  એકટની કલમો  લગાડેલ છે તે જામીનલાયક છે.

વધુમાં ઉષાબા ઝાલા જાડેજાએ દલીલ કરી છે કે આરોપી એ માંત્ર વોટસએપમાં પોતાના સ્ટેટસમાં જાહેરાત કરી હતી અને એક એજન્ટ જેવુ કામ કરેલ છે. જે લોકો ઓનલાઇન અરજીઓ કરવા માટે સક્ષમ નથી, તેમના વતી અરજી કરવાનુ માત્ર  કામ કરેલ છે અને તે માટે સામાન્ય મહેનાતાણું વસુલેલ છે. જે દસ્તાવેજો  રજુ કર્યા તેમાંથી એકપણ દસ્તાવેજ ખોટો હોવાનો તેમજ આઇપીસી ૪૬૪ની વ્યાખ્યામાં આવે તેવો નથી. અદાલતે  એડવોકેટ ઉષાબા ઝાલા જાડેજાની દલીલો માન્ય રાખી હતી. સેસન્સ જજ શ્રી આર.એલ.ઠક્કરે આરોપી સંજય લવજી મકવાણાને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વકિલ ચીમનભાઇ સાંકળીયા વગેરે રોકાયેલ હતા.

(3:05 pm IST)