રાજકોટ
News of Friday, 29th May 2020

મવડીમાં કામવાળીએ જ ૨૫ લાખની ચોરી કરાવી'તી!

નિરજા નેપાળીએ પતિ મહેશ સાથે મળી બેંગ્લોરથી બીજા બે સગા નેપાળી શખ્સોને બોલાવી પ્લાન પાર પાડ્યો'તોઃ તાલુકા પોલીસે ભેદ ઉકેલી એકને પકડ્યો : અઢી મહિના પહેલા જમીન-મકાનના ધંધાર્થી જીતુભાઇ સોરઠીયા ચાર દિવસ ઘરને બંધ કરી ભેંસાણ વાડીએ ગયા'તા ત્યારે રોકડ-દાગીનાની ચોરી થઇ હતીઃ બેંગલોરથી સૂર્ય નેપાળીની ધરપકડઃ ૩,૭૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જેઃ બાકીની મત્તા નિરજા, મહેશ અને લક્ષમણ લઇ ગયા : પટેલ પરિવારને ત્યાં આઠ મહિના કામ ઘરકામ કરી વિશ્વાસ જીતી લેનાર નિરજાને ઘરની તમામ ચાવીઓ સોંપી દેવાઇ હતીઃ તિજોરીની ચાવીઓ ઘરમાં કયાં રખાય છે તે પણ જાણતી હતી : ૧૯મીએ રાતે હાથફેરો કરી ટેકસી ભાડે કરી નીકળી ગયાઃ નિરજા અને મહેશ અમદાવાદ ઉતરી ગયા, સૂર્ય અને લક્ષમણ બીજી ટેકસીમાં બેંગ્લોર પહોંચી ગયા'તા

ડિટેકશનઃ મવડીમાં અઢી મહિના પહેલા ૨૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાતાં વિગતો આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ, તાલુકા પીઆઇ જે. વી. ધોળા તથા પીએસઆઇ પુરોહિત, પીએસઆઇ ડામોર તથા ડી. સ્ટાફની ટીમ અને ઝડપાયેલો નેપાળી શખ્સ તથા મુદ્દામાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૯: મવડી ગામમાં અઢી મહિના પહેલા જમીન-મકાનના ધંધાર્થી પટેલ યુવાનના ચાર દિવસ રેઢા રહેલા મકાનમાંથી રૂ. ૨૫ લાખની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખી એક નેપાળી શખ્સને બેંગ્લોરથી પકડી લીધો છે. તેની પાસેથી ૩,૭૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ચોરી પટેલ પરિવારને ત્યાં આઠ મહિના સુધી ઘરકામ કરી વિશ્વાસ જીતી લેનારી નેપાળી કામવાળી બાઇએ જ કરાવ્યાનું સામે આવ્યું છે. કામવાળીએ પોતાના પતિ સાથે મળી બેંગ્લોર રહેતાં બીજા બે સગા નેપાળી શખ્સોને રાજકોટ બોલાવી તેની સાથે મળી ચોરીનો પ્લાન પાર પાડ્યો હતો. ચોરી બાદ ચારેય અમદાવાદ ગયા હતાં અને ત્યાં માલમત્તાનો ભાગ પાડી જુદા પડી ગયા હતાં.

તાલુકા પોલીસે આ ચોરીમાં મુળ નેપાળના અચ્છમદેશ જીલ્લાના મંગલશેન તાલુકાના કુઇકા-૧ વિનાયક ગામના અને હાલ બેંગ્લુરૂમાં ભરથુર મેઇન ગેઇટ ખાતે રહી કાર સાફસફાઇનું કામ કરતાં સૂર્ય પ્રસાદ તિમીલસેના (નેપાળી) (ઉ.વ.૩૬)ને બેંગલુરૂથી પકડી લઇ સોનાનું કડુ (તોડી નાખેલુ), તુલસીની માળા, બંગડી, સિંહવાળુ સોનાનુ કડુ (તોડી નાખેલુ), સોનાની બે વીંટી, રોકડા રૂ. ૯૫૦૦, ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન મળી રૂ. ૩,૭૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડિટેકશનની માહિતી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ અને પીઆઇ જે. વી. ધોળાએ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મવડી ગામમાં  ૪૦ ફુટ રોડ પર બાપા સિતારામ ચોક આલાપ રોયલ પામ એ-૦૧ સત્યમ્ ખાતે રહેતાં અને જમીન-મકાન લે-વેંચનો ધંધો કરતાં જીતુભાઇ લવજીભાઇ સોરઠીયા (પટેલ) (ઉ.વ.૪૦) તા. ૧૭/૩ના રોજ બપોરે ઘરને તાળા લગાવી પત્નિ શિતલબેન, માતા સવિતાબેન, દિકરીઓ જૈની તથા ધૈની અને દિકરા પ્રેમ સાથે ભેંસાણની સીમમાં આવેલી તેમની વાડીએ ગયા હતાં. ત્યાંથી ૨૧/૩ના રોજ પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી. ઘરમાંથી રોકડા રૂ. ૧૨ લાખ તથા સોના-ચાંદીના રૂ. ૧૩,૨૦,૦૦૦ના દાગીના મળી કુલ રૂ. ૨૫,૨૦,૦૦૦ની ચોરી થઇ હતી. આ બારામાં જે તે વખતે તાલુકા પોલીસ મથકમાં જીતુભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમ તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ સુચના આપી હોઇ તાલુકા પીઆઇ જે. વી. ધોળા અને ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન જ્યાં ચોરી થઇ એ પરિવારના ઘરમાં આઠ મહિનાથી ઘરકામ કરતી નેપાળી મહિલા નિરજા ભેદી રીતે ગાયબ જણાઇ હતી. તેની તપાસ કરતાં તેની સાથે તેનો પતિ મહેશ પણ ગાયબ હોવાની માહિતી મળી હતી. મહેશ સોસાયટીમાં ગાડીઓની સાફસફાઇનું કામ કરતો હતો. આ બંનેના લોકેશન શોધવા તપાસ શરૂ થઇ હતી.

પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ તપાસતાં નિરજાએ ચોરી થઇ એ પહેલા બેંગ્લોરના કોઇ મોબાઇલ ધારક સાથે વાત કર્યાની વિગતો સામે આવતાં તાલુકા પોલીસે બેંગ્લોરના નંબર અંગે ત્યાંની પોલીસને જાણ કરી હતી. એ પછી તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને બેંગ્લોર પોલીસની મદદથી નિરજાએ જેની સાથે ફોનમાં વાત કરી હતી એ સૂર્ય પ્રસાદ તિમીલસેના (નેપાળી)ને ઉઠાવી લીધો હતો. પ્રાથમિક પુછતાછમાં પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ તેના રૂમમાંથી ચોરીનો મુદ્દામાલ મળતાં તે ઢીલો પડી ગયો હતો અને કબુલાત આપી હતી.

સૂર્યએ કહ્યું હતું કે નિરજા અને મહેશ તેના સગામાં થાય છે. નિરજાએ પોતે જ્યાં કામ કરે છે એ ઘરના માલિકો બહારગામ હોવાની અને ઘરમાં મોટો દલ્લો હોવાની વાત કરતાં પોતે અને બીજો સાથી લક્ષમણ નેપાળી રાજકોટ આવી ગયા હતાં અને ૧૯મીએ વહેલી સવારે નિરજા પાસે રહેલી ચાવીઓથી તાળા ખોલીને ચોરી કરી ટેકસી મારફત નીકળી ગયા હતાં. અમદાવાદ પહોંચી ચોરીના મુદ્દામાલનો ભાગ પાડ્યો હતો. એ પછી નિરજા અને મહેશ અલગ પડી ગયા હતાં અને પોતે તથા લક્ષમણ બીજી ટેકસી ભાડે કરી અમદાવાદથી બેંગ્લુરૂ પહોંચી ગયા હતાં. પોલીસ હવે નિરજા, મહેશ તથા લક્ષમણને શોધી રહી છે. આ ત્રણેય વતન નેપાળ જતાં રહ્યા કે પછી બીજે કયાંય છુપાયા તે રહસ્ય છે.

પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએઅસાઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. પ્રવિણભાઇ, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, ભગીરથસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, છત્રપાલસિંહ રાણા, મહેશભાઇ સેગલીયા, દિવ્યરાજસિંહ ઝાલા અને કોન્સ. દિપલબેનની ટીમે આ કામગીરી કરી હતી. જેમાં પીએસઆઇ પુરોહિત, પ્રવિણભાઇ, હરદેવસિંહ, ગોપાલસિંહ અને દિપલબેનની ચોક્કસ માહિતી કામે લાગી હતી.

(3:00 pm IST)