રાજકોટ
News of Friday, 29th May 2020

રાજકોટ જીલ્લાના કોવિડ-૧૯ના દર્દીઓને સિવિલમાંથી મુકવા જવાના બદલે એમ્બ્યુલન્સમાં ખાનગી ભાડા થયા?!

રાજકોટ જીલ્લાના જે દર્દીઓને રજા અપાય તેને વિનામુલ્યે મુકવાની કામગીરી કરવાને બદલે બિમારીથી મૃત્યુ પામનાર મહિલાની ડેડબોડી એમ્બ્યુલન્સમાં મુકી આવી ભાડુ લઇ લીધાની ચર્ચાઃ જીલ્લા આરોગ્ય અધિકારી સુધી વાત પહોંચીઃ આ રીતે કેટલા ભાડા કર્યા હશે? તે અંગે ઉઠતા સવાલો

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીના દર્દીઓને દાખલ કરવા અને સારવાર આપવા નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અહિ કોરોનાની સારવાર માટે કે રિપોર્ટ માટે આવતાં-જતાં દર્દીઓને વિનામુલ્યે મુકવા જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના દર્દીઓને સાજા થયે રજા અપાય કે નેગેટિવ રિપોર્ટ આવ્યે રજા અપાય  તો તેને ઘરે મુકવા જવા માટે સીટી બસની સુવિધા ઉપલબ્ધ છે. એ જ રીતે રાજકોટ જીલ્લાના કોવિડને લગતા દર્દીઓને રજા અપાય તો તેને મુકવા જવા માટે જીલ્લા આરોગ્ય તંત્ર તરફથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના માટે એક કોન્ટ્રાકટ અપાયો છે અને કોન્ટ્રાકટ મુજબ કિલોમીટર નક્કી કરાયા છે. પરંતુ હાલમાં એવી ફરિયાદો ઉઠવા પામી છે કે જીલ્લાના કોવિડ દર્દીઓને મુકવા જવાની સાથો સાથ એમ્બ્યુલન્સમાં ખાનગી ભાડા શરૂ કરી દેવામાં આવ્યા છે! આ કારણે ગામડાઓના દર્દીઓ લૂંટાઇ રહ્યા છે.

જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના કોઇપણ ગામના દર્દીઓ કે જેને કોરોનાની શંકાએ રિપોર્ટ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને બાદમાં રિપોર્ટ નેગેટિવ જાહેર થાય તો રજા અપાયે તેને તેના ગામ સુધી મુકવા માટે જીલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિનામુલ્યે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓના હિતાર્થે આ ખુબ સારી સુવિધા છે. પરંતુ તાજેતરમાં એવી ફરિયાદ ઉઠી હતી કે કોવિડ-૧૯ના દર્દીઓને બદલે ખાનગી દર્દીઓના ભાડા એમ્બ્યુલન્સ મારફત શરૂ કરી દેવામાં આવ્યા છે!

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૨૪/૫ના રોજ રાણાકંડોરણા ગામના એક મહિલાનું કેન્સરની બિમારીથી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. રાત્રીના સમયે મૃત્યુ થયું હોઇ તેમના સગાએ પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ વતન સુધી લઇ જવા એમ્બ્યુલન્સ શોધવા દોડધામ શરૂ કરી હતી. એ દરમિયાન એક એમ્બ્યુલન્સના ચાલકે આવી પોતે મૃતદેહ મુકી જશે તેવી વાત કરી હતી. આ વખતે મૃતકના સ્વજનોને એ વાતની ખબર નહોતી કે આ એમ્બ્યુલન્સના ચાલકને ભાડુ ચુકવવું પડશે. મૃતદેહ સાથેની ગાડી હાઇવે પર પહોંચી ગયા બાદ રૂ. ૨૩૦૦ ભાડુ થશે તેવી વાત કરવામાં આવતાં મૃતકના સ્વજનો ચોંકી ગયા હતાં. પરંતુ રાતનો સમય હોઇ અને ગાડી હાઇવે પર પહોંચી ગઇ હોઇ બીજુ કંઇ થઇ શકે તેમ ન હોઇ સ્વજનોએ ભાડુ આપવાની વાત સ્વીકારવી પડી હતી.

મૃતકના એક સ્વજન સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતાં હોઇ તેને જાણ થતાં એમ્બ્યુલન્સ ચાલકનો ઉધડો લીધો હતો. એમ્બ્યુલન્સ ચાલકને માત્ર રાજકોટ જીલ્લાના કોવિડ-૧૯ના દર્દીઓને જ મુકવા જવાના હોય છે અને એ પણ વિનામુલ્યે. ત્યારે તેણે કોવિડ સિવાયના દર્દથી મૃત્યુ પામનારનો મૃતદેહ તેના ગામ સુધી મુકી આવી ભાડુ પણ વસુલી લીધાનું કહેવાય છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે કોવિડના નામે આ રીતે કેટલા ભાડા કર્યા હશે તે કહી શકાય નહિ. આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારી સુધી વાત પહોંચી હતી. તેમણે સિવિલના સત્તાધીશોનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે તેમ કહ્યું હતું.

હોસ્પિટલમાં સરકારી ઉપરાંત જુદા-જુદા ટ્રસ્ટની ખાનગી એમ્બ્યુલન્સો પણ હોય છે. સરકારી ગાડીઓ બહાર ગઇ હોય ત્યારે આ એમ્બ્યુલન્સના ચાલકો જે તે મૃતકના સ્વજનો સાથે સ્પષ્ટતા કરી ભાડુ નક્કી કરી પછી જ તેને મુકવા જતાં હોય છે. આ એમ્બ્યુલન્સના ચાલકોએ પોતે કોવિડના દર્દીઓને વિનામુલ્યે મુકવા જશે તેવી પણ રજૂઆતો આરોગ્ય વિભાગમાં કરી હતી. પરંતુ તેને કોઇએ ગંભીરતાથી લીધી નહિ હોવાનું પણ કહેવાય છે.

(1:10 pm IST)