રાજકોટ
News of Friday, 29th May 2020

બકરા-બકરીની ચોરી કરનાર મુકેશ ઉર્ફ રાધે, વિરૂ અને મોહિત પકડાયા

કમાઇ લેવાની લાલચ હતી, પરંતુ સાચવવાનો ખર્ચો'ય માથે પડ્યો! : ખોખડદળ કાંઠેથી દેવીપૂજક પરિવારના બકરા ચોરી વેંચવાની પેરવી કરતાં ઝડપાઇ ગયાઃ આજીડેમ પોલીસે યુવરાજનગરમાંથી દબોચી લીધા

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ રણુજા મંદિર સામે ખોખડદળ નદી કાંઠે ભૂતનાથ મંદિર સામે રહેતાં અને પશુપાલન તથા ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવતાં દેવીપૂજક યુવાન રમેશ રૂડાભાઇ જખાણીયાના ડેલામાંથી પાંચ દિવસ પહેલા રાત્રીના સમયે રૂ. ૩૭ હજારના પાંચ બકરા-બકરી ચોરાઇ ગયા હતાં. આ ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી યુવરાજનગરમાંથી ત્રણ શખ્સોને પકડી લઇ બકરા કબ્જે કર્યા છે. 

રમેશના ડેલામાંથી એક નર બકરો ૮ માસનો સફેદ ટીલાવાળો કાળા રંગનો રૂ. ૭ હજારનો, બીજી ચાર માદા બકરી જેમાં એક કાબરી  (ઉ.૨ વર્ષ) કિંમત રૂ. ૭ હજાર, લાલ બકરી (ઉ.૪ વર્ષ) કિંમત રૂ. ૮ હજાર, બે કાળી બકરી (ઉ.૧વર્ષ) કિંમત રૂ. ૧૫ હજાર મળી ૩૭ હજારના બકરા-બકરી ચોરાઇ ગયા હતાં. આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી પાસે રહેતો મુકેશ ઉર્ફ રાધે શામજીભાઇ સિંધવ (સરાણીયા) (ઉ.૨૩) ચોરાઉ બકરા વેંચવા પેરવી કરી રહ્યો છે.

આ માહિતીને આધારે તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરી કબુલી હતી. પોતાની સાથે વિરૂ ભરતભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૨૫-રહે. થોરાળા સાધુ સમાધી રોડ) તથા મોહિત દાનાભાઇ ચોૈહાણ (સરાણીયા) (ઉ.૧૯-રહે. ગમારા પંપ પાસે પીટીસી ગ્રાઉન્ડ, ઝૂપડામાં) પણ સામેલ હોવાનું કહેતાં તેને પણ પકડી લેવાયા હતાં. આ ત્રણેય બકરા વેંચી રોકડી કરવાની તૈયારીમાં હતાં ત્યાં જ દબોચાઇ ગયા હતાં. કમાઇ લેવાની લાલચ ધરાવનારા આ ત્રણેયને આટલા દિવસ બકરાને ચારો-પાણી આપવાનો ખર્ચો પણ માથે પડ્યો હતો!

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ પટેલ, હેડકોન્સ. કનકસિંહ, મનહરસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ પરમાર, શૈલેષ ભીંસડીયા, કુલદીપસિંહ જાડેજા, શૈલેષ નેચડા, દિગુભા જાડેજા, કલ્પેશ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(1:04 pm IST)