રાજકોટ
News of Friday, 29th May 2020

ડો. ગઢવીએ કહ્યું-બિમાર છું છતાં કામ કરુ છું, બદલીથી દુઃખી નથી, બધાને ખુશ રાખી શકાય નહિઃ કોરોના ટાણે આવું થયું તે યોગ્ય ન કહેવાય

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. એસ. એન. ગઢવીચારણની રાતોરાત ભાવનગર બદલી થવા પાછળ કારણ શું હોય શકે? તે અંગે તેમની સાથે જ વાત કરતાં તેમણે 'અકિલા'ને કહ્યું હતું કે-કારણ તો મને'ય ખબર નથી. જો ખબર હોત તો પહેલેથી જ બચાવ કર્યો હોત. એકત્રીસ વર્ષથી વધુ સમયથી દર્દીઓને ફાયદો થાય તેવી જ ફરજ બજાવી છે. હું બધાને ખુશ ન રાખી શકું. બાકી શું કારણો હોઇ શકે એ કદાચ મહેતાસાહેબ કે ગોૈરવીમેડમ વધુ જાણતા હશે! મને કોઇ દુઃખ-શોક નથી. સરકારી આદેશ છે એ માન્ય છે. હું ડાયાબીટીશ, બ્લડપ્રેશર સહિતની બિમારી ધરાવું છું. છતાં ફરજ બજાવું છું. હવે નોકરીને દોઢેક વર્ષ બાકી છે. ઉમર મુજબ હવે ૨૫ વર્ષનો છોકરો જે કામ કરી શકે એ કામ મારાથી ન થઇ શકે. કોઇને શું લાગ્યું હોય એ કેમ ખબર પડશે. સરકાર માઇબાપ છે, કોઇને મનદુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. પરંતુ અત્યારે કોરોના ટાણે બદલી થઇ એ યોગ્ય ન કહેવાય. ડિપાર્ટમેન્ટલી ઉપરીઓ સાથે ઘણીવાર મતભેદ થતાં હોય એ રૂટીન કહેવાય. મારી બદલી પાછળ શું કારણ છે એ મને પણ ખબર નથી. નોંધનીય છે કે બદલીના હુકમમાં જે કારણ દર્શાવાયું છે તેમાં જાહેર હિતાર્થે એવું લખેલું છે. ડો. ગઢવી હાલ સીક લીવ પર છે.

(11:31 am IST)