રાજકોટ
News of Wednesday, 29th May 2019

જમુના પાર્કના પંકજભાઇ પટેલે વ્યાજે લીધેલા ૨૦ લાખ સામે ગુંદા ગામની કિંમતી જમીન ચાઉ થઇ ગઇ

સિકયુરીટી પેટે અપાયેલા દસ્તાવેજને આધારે વિનુ વેકરીયા અને મહેન્દ્ર વેકરીયાએ છેતરપીંડી કર્યાનો અને દસ્તાવેજ પાછો જોઇતો હોય તો ૪૦ લાખ આપવા પડશે તેમ કહી ધમકી દીધાનો અરજીમાં આરોપ

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ પર જમુના પાર્ક-૮માં રહેતાં પંકજભાઇ બચુભાઇ પાંભરે સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતાં વિનુભાઇ ભોળાભાઇ વેકરીયા તથા મહેન્દ્રભાઇ ભોળાભાઇ વેકરીયા વિરૂધ્ધ વ્યાજખોરીની લેખિત ફરિયાદ પોલીસ કમિશનરને કરી છે. આ બંનેએ ઉંચા વ્યાજે નાણા આપી અરજદાર પંકજભાઇની ગુંદા ગામની જમીનનો દસ્તાવેજ કરી નાંખ્યાનો ચોંકાવનારો આરોપ મુકાયો છે.

પંકજભાઇએ પોલીસ કમિશનર કચેરી ખાતે ઇન્વર્ડ કરાવેલી અરજીમાં જણાવ્યું છે કે તે દિવેલીયાપરામાં મિઠાઇની દૂકાન રાખી ધંધો કરતાં હતાં. અઢી વર્ષ પહેલા ધંધા માટે પૈસાની જરૂર પડતાં વિનુભાઇ વેકરીયા પાસેથી ૨૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેણે સિકયુરીટી પેટે ગુંદા ગામે આવેલી ૨ એકર ૨૭ ગુંઠા જમીનનો દસ્તાવેજ પોતાની પાસે રાખ્યો હતો. તેને નિયમિત વ્યાજ ચુકવ્યું હતું. સિકયુરીટીમાં મુકેલો દસ્તાવેજ મહેન્દ્રભાઇ ભોળાભાઇ વેકરીયાના નામે કરી આપ્યો હતો.

એ પછી વીસ લાખનું નિયમીત વ્યાજ ભર્યુ હતું. થોડા સમય પછી એક કાગળો ઘરે આવ્યો હતો જેમાં જમીન અંગેની નોટીસ હતી. જેથી પંકજભાઇએ વિનુભાઇનો સંપર્ક કરતાં તેણે જણાવેલ કે સહી કરી આપજો પછી તમે રૂપિયા આપો એટલે હું દસ્તાવેજ પાછો આપી દઇશ. જેથી પંકજભાઇએ પોતાને સગા મારફત વીસ લાખની વ્યવસ્થા થઇ ગઇ હોઇ તે રકમ ચુકવવા તૈયાર છે તેમ કહેતાં વિનુભાઇ અને મહેન્દ્રભાઇએ હવે તો જમીનનો દસ્તાવેજ થઇ ગયો અને મામલતદારમાં એન્ટ્રી પણ પડી ગઇ છે હવે તમારે ચાલીસ લાખ આપવા પડે, તો જ દસ્તાવેજ પાછો મળે તેમ કહી દીધું હતું.

એ પછી આ બંનેએ જમીન ખાલી કરી ભાગી જવા અને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પોતે ખોડલધામના ટ્રસ્ટી હોવાની વાત કરીને પણ ધમકી આપી હતી. તેમ લેખિત ફરિયાદમાં પંકજભાઇએ આક્ષેપો કર્યા છે અને પોલીસ તપાસ કરી ન્યાય અપાવે તેવી વિનંતી કરી છે.

(4:18 pm IST)