રાજકોટ
News of Wednesday, 29th May 2019

રેસકોર્ષમાં દંપતિને આપઘાત માટે મજબુર કરનાર ત્રણ શખ્સો પકડાયા

થોડા દિવસ પહેલા ઈમીટેશનના ધંધાર્થી કમલેશભાઈ અને તેની પત્નિએ ૧૪ વ્યાજખોરોથી ત્રાસી ઝેરી દવા પી લીધી'તી

રાજકોટ, તા. ૨૯ :. વ્યાજ માટે ૧૪ જેટલા શખ્સોના સતત ત્રાસથી કંટાળી તા. ૧-૫ના રોજ રેસકોર્ષના લોહાણા દંપતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં દંપતિને આપઘાત કરવા માટે મજબુર કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ ભકિતનગર સર્કલ પાસે ગાયત્રીનગર ૨/૧૧ માં રહેતા મયુરભાઈ કમલેશભાઈ સાગલાણી (ઉ.વ. ૨૫) એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ૧૪ શખ્સોના નામ આપ્યા હતા. આ શખ્સો ઇમીટેશનનો ધંધો કરતા પિતા કમલેશભાઇને વ્યાજ માટે સતત ધાકધમકી આપી હેરાન કરતા હોઇ મરી જવું પડે તેવા સંજોગો ઉભા થતાં માતા-પિતાએ ગત તા. ૧-પ ના રોજ રેસકોર્ષમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ૧૪ શખ્સો વિરૂદ્ધ ૩૦૬, પ૦૪, પ૦૬ (ર),  ૧૧૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદ પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.એસ.આઇ. એમ.એસ. ગોસાઇ, ઓ.પી. સિસોદીયા, બી.વી. બોરીસાગર, સંજય દવે, અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ, કલ્પેશસિંહ, જયદીપભાઈ, હેમેન્દ્રભાઈ, પ્રદીપસિંહ, મનજીભાઈ, જયેન્દ્રભાઈ તથા વિરભદ્રસિંહ સહિતે રૈયાનાકા ટાવરમાં રહેતા કુબેર ભંડારી સહકારી મંડળીવાળા હરીશ વ્રજલાલ માવાણી (ઉ.વ. ૪૮), નાનામવા રોડ વિસ્તારના જગદીશસિંહ તથા હરીશ ગોપાલભાઈ આશરા (ઉ.વ. ૫૭) (રહે. ગવર્મેન્ટ સોસાયટી શેરી નં. ૫)ની ધરપકડ કરી હતી.

(4:12 pm IST)