રાજકોટ
News of Wednesday, 29th May 2019

બુટલેગરે સરફરાઝે તું મરી જા કાં હું મારી નાંખીશ...કહી ધમકી આપતાં નિલેષ લુહાર મરી જવા મજબૂર થયો'તો

પોલીસને દારૂની બાતમી આપતો હોવાનો આરોપ મુકી માતા-પિતાની નજર સામે જ ધોલધપાટ કરી પછી ધમકી દીધી'તી : જંગલેશ્વર કવાર્ટરમાં ૫ મેના દિવસે લુહાર દંપતિના એકના એક ૨૦ વર્ષના પુત્રએ ઝેર પી જિંદગી ટૂંકાવ્યાના કિસ્સામાં હવે સાચી વિગતો ખુલીઃ ભકિતનગર પોલીસે સરફરાઝ ઉર્ફ લાલો ચોૈહાણની ધરપકડ કરી

રાજકોટ તા. ૨૯: ચોવીસ દિવસ પહેલા જંગલેશ્વર આરએમસી કવાર્ટર નં. ૪૫ બ્લોક નં. ૪માં રહેતાં નિલેષ જયેશભાઇ મકવાણા (ઉ.૨૦) નામના લુહાર યુવાને ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે વખતે કોઇ કારણ બહાર આવ્યું નહોતું. પણ હવે એવી વિગતો ખુલી છે કે તેના પડોશમાં જ કવાર્ટરમાં રહેતાં બુટલેગર સરફરાઝ ઉર્ફ લાલા ગફારભાઇ ચોૈહાણે તેને 'તં મારી દારૂની બાતમી પોલીસને આપે છે, તું મરી જા નહિતર હું મારી નાંખીશ' તેવી ધમકી આપતાં તે મરી જવા મજબૂર થયો હતો. આ મામલે ભકિતનગર પોલીસે આ મુસ્લિમ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

જયેશ મકવાણાએ તા. ૫-૫ના રોજ બપોર બાદ ઝેર પી લેતાં સિવિલમાં દાખલ કરાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.  આ બનાવમાં મૃતકના માતા હંસાબેન જયેશભાઇ મકવાણા (ઉ.૪૦)એ બાજુના કવાર્ટર બ્લોક નં. ૮માં રહેતાં સરફરાઝ ઉર્ફ લાલો ગફારભાઇ ચોૈહાણ (ઉ.૩૮) સામે આઇપીસી ૩૦૬, ૫૦૪, ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.

હંસાબેને જણાવ્યું છેકે તેને સંતાનમાં મારે બે પુત્રી છે અને નિલેષ એકનો એક પુત્ર હતો. તે છુટક મજૂરી કરતો હતો. પાંચમીએ  અમે બધા બપોરે સાથે જમ્યા હતાં. એ દરમિયાન નિલેષને કોઇનો ફોન આવતાં તે ઘરથી બહાર ગયો હતો અને અઢી વાગ્યા આસપાસ તેણે મને ફોન કર્યો હતો. તે ફોનમાં રડતો હતો અને કહેતો હતો કે પાછળના કવાર્ટરમાં રહેતાં સરફરાઝ ઉર્ફ લાલાના ઘરે જલ્દી આવો. આથી હું અને મારા પતિ ત્યાં જતાં સરફરાઝ મારા દિકરાને મારકુટ કરતો જોવા મળ્યોહ તો. અમે તેને શા માટે મારે છે? તેમ પુછતાં નિલેષે કહ્યું હતું કે સરફરાઝને એવી શંકા છે કે હું તેના દારૂની બાતમી પોલીસને આપી દઉ છું. આથી તે મારી નાંખવાની ધમકી આપે છે.

અમે સરફરાઝને વિનંતી કરી હતી કે અમારો દિકરો નિલેષ કોઇ બાતમી આપતો નથી. નિલેષે પણ એવી આજીજી કરી હતી કે મને મારી નાખો તો પણ એક જ વાત કહીશ કે મેં બાતમી આપી નથી. આમ છતાં સરફરાઝે ઉશ્કેરાઇ ગઇ ગાળો દઇ નિલેષને ધમકી આપી હતી કે તું મરી જા નહિતર હું તને મારી નાંખીશ, તું મારી સામે જ દવા પી લે...તેમ કહેતાં મારો દિકરો નિલેષ દાદરા ઉતરી નીચે ગયો હતો અને મંદિર પાસેના ઓટા નજીક જઇ તેણે દવા પી લીધી હતી. અમે ઉપરથી રાડો પાડતાં હતાં પણ ત્યાં તે દવા પી ગયો હતો.

નિલેષ બેભાન જેવો થઇ જતાં અમે પડોશીઓને બોલાવી તેને લોટસ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. અમે ઉત્તરક્રિયામાં રોકાયેલા હોઇ હવે ફરિયાદ કરી છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ સુભાષભાઇ ડાંગર સહિતે ગુનો નોંધી બુટલેગર સરફરાઝ ઉર્ફ લાલાની ધરપકડ કરી છે.

(1:22 pm IST)