રાજકોટ
News of Tuesday, 29th May 2018

જાણે કાળ બોલાવતો હોય તેમ કિશન સમાધાનની વાત પત્‍યા પછી મિત્રને લેવા ગયો ને લોથ ઢળી ગઇ

કિશને ‘વાત પુરી થઇ ગઇ ને તો ભાગીએ...' કહ્યા બાદ જતીને બાઇક હંકાર્યુ, ચિરાગ વચ્‍ચે અને કિશન પાછળ બેઠોઃ એ વખતે યુવતિનો ભાઇ રાકેશ ઉર્ફ લાલો સગર અને ધમા સગર સાથેના શખ્‍સે બહેન સમી ગાળ દેતાં કિશને સામી ગાળ દેતાં એક શખ્‍સે છુટી છરીનો ઘા કર્યો ને પ્રાણ નીકળી ગયા : મિત્ર સગર યુવાનના પ્રેમસંબંધમાં નિર્દોષ ૨૦ વર્ષના સુથાર યુવાનની હત્‍યાઃ રાજકોટ જમુના પાર્કના સુથાર પરિવારમાં કલ્‍પાંત : કિશનના મિત્ર જતીનને ધર્મેશ સગરની બહેન વૈશાલી સાથે પ્રેમસંબંધ હતોઃ વૈશાલી પાસેથી મોબાઇલ મળ્‍યો હોઇ તે બાબતે સમાધાન કરવા ધર્મેશે જતીનને બોલાવ્‍યો'તોઃ કિશન પાછળથી પહોંચ્‍યો'તો

ઘટના સ્‍થળ તથા કિશન જાદવાણી (ગુર્જર સુથાર)નો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના કુવાડવા રોડથી મોરબી રોડ ટચ ૮૦ ફુટના રોડ પર સાંજે મોરબી રોડ જમુના પાર્કના ૨૦ વર્ષના સુથાર યુવાનની હત્‍યા થઇ જતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. પોતાના મિત્ર સગર યુવાનને પ્રેમસંબંધ બાબતે સગર શખ્‍સો સાથે માથાકુટ થઇ હોઇ બે મિત્રો આ બાબતે સમાધાન કરવા ભેગા થયા હતાં. મોડેથી ખબર પડતાં આ સુથાર યુવાન પણ ત્‍યાં પહોંચ્‍યો હતો. સમાધાન પતી ગયા પછી ત્રણેય મિત્રો બાઇક પર રવાના થયા ત્‍યારે પાછળથી એક શખ્‍સે ગાળ દેતાં આ સુથાર યુવાને પણ વળતી ગાળ દેતાં છરીનો છુટો ઘા કરવામાં આવતાં તેના વાંસામાં ખુંપી ગઇ હતી અને તેની લોથ ઢળી ગઇ હતી. કાળ જાણે બોલાવતો હોય તેમ સુથાર યુવાન ડખ્‍ખો પતી ગયા પછી મિત્રને લેવા ગયો હતો અને મોત મળ્‍યું હતું. બી-ડિવીઝન પોલીસે ચાર શખ્‍સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે હત્‍યાનો ભોગ બનેલા કિશનના પિતા મોરબી રોડ જમુના પાર્ક-૩માં રહેતાં ધીરૂભાઇ હરિભાઇ જાદવાણી (ગુર્જર સુથાર) (ઉ.૫૦)ની ફરિયાદ પરથી મોરબી રોડ પર રહેતાં રાકેશ ઉર્ફ લાલો સુરેશભાઇ સગર, ધર્મેશ ઉર્ફ ધમો બાબુભાઇ ભાલુ (સગર) અને બે અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૦૨, ૫૦૪, ૩૪, ૧૨૦-બી મુજબ ગુનો નોધ્‍યો છે.

ધીરૂભાઇએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી પૈકી હેતલબેન મોટી છે અને સાસરે છે. તેનાથી નાની કાજલ તથા ત્રીજા નંબરે કિશન અને સોૈથી નાનો સાગર છે.  હું સુથારી કામ કરુ છું. સોમવારે સાંજે સાતેક વાગ્‍યે હું કામેથી ઘરે જતો હતો ત્‍યારે મારા ફોનમાં ફોન આવ્‍યો હતો અને ફોન કરનારે ‘હું અજય બોલુ છું, કિશનનો મિત્ર છું તમારા દિકરા કિશનને છરી લાગી ગઇ છે તમે જલ્‍દી મોરબી રોડ ધોળકીયા સ્‍કૂલ પાસે આવો' તેમ કહેતાં હું ત્‍યાં પહોંચ્‍યો હતો. ત્‍યારે મારા દિકરાની લાશ રોડ પર પડેલી અને માથે કપડુ ઓઢાડેલુ જોવા મળ્‍યું હતું. પોલીસ પણ હાજર હતી.

આ વખતે માર દિકરા કિશનના બે મિત્રો જતીન ગોહેલ (સગર) (રહે. જય જવાન જય કિશાન સોસાયટી) અને તેનો કોૈટુંબીક સગો ચિરાગ દેવશીભાઇ ગોહેલ પણ હાજર હતાં. જતીને મને વાત કરી હતી કે ‘આજે બપોરે બે વાગ્‍યે મને ધર્મેશ ઉર્ફ ધમો સગર (રહે. જીવનધારા સોસાયટી-૨)એ ફોન કરીને વાત કરેલ કે મારી બહેન વૈશાલી પાસેથી એક મોબાઇલ ફોન મળ્‍યો છે, તે ફોન તારો છે અને હવે તું તેની સાથે કંઇ વાત કરે છે? તેમ પુછતાં મેં ના પાડી હતી. તેણે એક ફોન નંબર આપ્‍યો હતો એ બાબતે પુછતાં મેં તેને આ નંબર મારો નથી તેમ જણાવ્‍યું હતું. એ પછી સાંજે હું મોરબી રોડ વેરાઇ ડિલક્‍સ ખાતે હતો ત્‍યારે ધર્મેશે ફરીથી ફોન કરીને મને આશ્રમ રોડે બોલાવ્‍યો હતો. જેથી હું મિત્ર ચિરાગ ઉર્ફ ઘુઘી દેવશીભાઇ ગોહેલને લઇ કુવાડવા રોડ નાગબાઇ પાનના ગલ્લે પહોંચ્‍યો હતો. જ્‍યાં ધર્મેશ મળ્‍યો હતો. તેણે ફોન બતાવીને કહેલ કે તારે હવે મારી બહેન સાથે કોઇ પ્રેમસંબંધ છે? જેથી મેં ના પાડી હતી. ત્‍યાં રાકેશ ઉર્ફ લાલો સગર પણ આવ્‍યોહ તો અને બીજા બે શખે પણ સાથે હતાં.'

જતીને આગળ જણાવ્‍યું હતું કે, ‘મારે પહેલા ધર્મેશની બહેન સાથે પ્રેમસંબંધ હતો તેનું સમાધાન કરવાની વાત બપોરે જ મિત્ર કિશનને કરી હતી. અમે સાંજે નાગબાઇ પાન પાસે હતાં ત્‍યારે કિશનનો ફોન ચિરાગ ઉપર આવતાં અમે જ્‍યાં ઉભા હતાં ત્‍યાં તેને બોલાવતાં નાનો ભાઇ સાગર તેને બાઇક પર મુકી ગયો હતો અને જતો રહ્યો હતો. કિશન આવ્‍યો ત્‍યાં સુધીમાં સમાધાનની વાતચીત પુરી થઇ ગઇ હતી. આથી કિશને કહેલ કે વાત પુરી થઇ ગઇ છે ને તો ભાગીએ. જેથી મેં હા કહી હતી અને મં બાઇક ચાલુ કરતાં પાછળ ચિરાગ અને સોૈથી છેલ્લે કિશન બેઠો હતો. અમે રવાના થયા ત્‍યારે મોરબી રોડ ૮૦ના રોડ પર પહોંચ્‍યા ત્‍યાં રાકેશ, ધર્મેશ અને બે અજાણ્‍યા બાઇક પર અમારી પાછળ આવ્‍યા હતાં. અજાણ્‍યા શખ્‍સોએ બાઇક ઉભુ રાખવાનું કહેતાં અમે ઉભુ રાખ્‍યું નહોતું. એક શખ્‍સે બહેન સમી ગાળ દેતાં કિશને પણ સામી ગાળ કાઢી હતી. જેથી અજાણ્‍યાએ છરી કાઢી છુટો ઘા કરતાં કિશનને વાંસામાં ખુંપી ગઇ હતી. તેણે બાઇક ભગાડવાનું કહેતાં મેં ભગાવ્‍યું હતું. ધોળકીયા સ્‍કૂલ પાસે પહોંચતાં કિશને ચક્કર આવે છે તેમ કહેતાં બાઇક ઉભુ રાખ્‍યું હતું. ત્‍યાં તે પડી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો.'

પી.આઇ. આર. એસ. ઠાકર, જે. પી. મેવાડા, ચંદ્રસિંહ જાડેજા સહિતે હત્‍યાનો ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી  ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. હત્‍યાનો ભોગ બનનાર કિશન છોટાહાથીનું ડ્રાઇવીંગ કરી પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન અને આશાસ્‍પદ પુત્ર ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. અગાઉ પણ કિશનને ગંભીર અકસ્‍માત નડયો હતો ત્‍યારે તે માંડ બચ્‍યો હતો. ત્‍યાં હવે મિત્રના પ્રેમસંબંધમાં નિર્દોષ એવા કિશનનો ભોગ લેવાઇ ગયો હતો.

(2:42 pm IST)