રાજકોટ
News of Thursday, 29th April 2021

કોરોનાની સારવારમાં ન્યાય ખાતાના કર્મચારીઓને અગ્રીમતા આપવાની નીતિ ભેદભાવવાળી

રાજકોટના પાંચ ધારાશાસ્ત્રીઓએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર પાઠવ્યો  : બંધારણમાં સૌ નાગરિકોને સમાન હક્કો : વસાવડા, દેસાઇ, પંડયા, વારોતરીયા, શાહી, દોશી

રાજકોટ તા. ૨૯ : શહેરના જાણીતા ધારાશાસ્ત્રીઓ સર્વશ્રી પ્રવીણભાઈ વસાવડા, અનિલભાઇ દેસાઈ, મહર્ષિ ભાઈ પંડ્યા,આર.એમ. વારોતરિયા, લલિતસિંહ જે. શાહી, જગદીપભાઈ દોષીએ ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસશ્રીને  ઇમેઇલથી એક સંયુકત પત્ર પાઠવીને  રજૂઆત કરી છે કે, કોવીડ-૧૯ની  પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતના મોટાભાગની જનસંખ્યા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયેલ છે. છેલ્લા ૧૩ માસથી કોવીડ-૧૯ની સ્થિતિના કારણે ગુજરાતના તમામ કોર્ટો લાંબા સમયથી કાર્યરત થઈ શકી નથી. કોર્ટમાં ન્યાયાધીશ, કોર્ટના કર્મચારીઓ, વકીલો સહીત સૌ કોવીડ-૧૯ની મહામારીમાં સંક્રમિત થાય છે.  અને આ સંક્રમણની આ પ્રક્રિયામાં તબીબી સારવાર દરમિયાન અવસાન પામ્યા હોય તેવી સંખ્યા પણ નોંધપાત્ર છે.

ગુજરાતના ન્યાયતંત્ર દ્વારા ન્યાયાધીશ અને કોર્ટના કર્મચારીઓ માટે  કોવીડ-૧૯ ની સારવાર માટે અગ્રીમતા આપવા અને તે મુજબની વ્યવસ્થા માટે ગુજરાત સરકારને પત્ર લખીને સૂચન કરેલ છે. અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના ન્યાય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અગ્રિમતા રાખવા માટે  તમામ  જિલ્લા મથકો અને તાલુકા મથક ઉપરની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા સૂચના આપ્યાના લેખિતમાં આદેશ કરવામાં આવેલ છે.

રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીઓએ વિશેષમાં જણાવ્યુ હતું કે  બંધારણ માં સૌ નાગરિકોના સમાન હક્કો ધારણ કરે છે. ત્યારે ગુજરાતની કોર્ટો અને તેના કર્મચારીઓ   લાંબા સમયથી કોર્ટો બંધ હોવાથી  તેમના માટે  કોવીડ-૧૯ ની સારવાર માટે અગ્રિમતા રાખવાની ન્યાયતંત્ર  માટે વ્યાજબી નથી.  કાયદાના રક્ષકો જેનું મૂળભૂત કાર્ય  નાગરિકોના અધિકારના રક્ષણ કરવાનું છે. ત્યારે એ પોતાના માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યાજબી છે? અને આ વ્યવસ્થા ની અપેક્ષા  ન્યાયતંત્ર માટે સારા સંકેત ના દર્શન કરાવતી નથી.

 તેથી આ બારામાં ગુજરાત હાઇકોર્ટે ની ગૌરવ શાળી ઉચ્ચ પરંપરા ને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય કરવા અંતમાં જણાવ્યું હતું.

(3:50 pm IST)