રાજકોટ
News of Thursday, 29th April 2021

બાંગ્લાદેશના મોમિનુર રહેમાનનું સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન

મેડિકલ વિઝા ઉપર રાજકોટની હોસ્પિટલમાં આવેલાઃ દર્દી સ્વસ્થઃ વતન જવા રવાના

રાજકોટ :  'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારેદર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવું જ એક પેશન્ટ  સરહદપાર બાંગ્લાદેશથી  શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ  રાજકોટ ખાતે ઓપરેશન માટે આવેલ હતું જયારે સાઈબાબા પ્રેરણા આપે છે ત્યારે સરહદોના વાડા નડતા નથી.

આ દર્દી મોમિનુર રહેમાન આલમગીરી (ઉ.૩૦ વર્ષ ગામ :-સીતોલ જીલ્લો :-નૌગાન બાંગ્લાદેશનું રહેવાસી)  હદયરોગથી  પીડિત હતું. આ દર્દીને છેલ્લા ૬ મહિનાથી હદયની તકલીફ હતી . જેથી તેમણે  બાંગ્લાદેશની ઢાકા હોસ્પિટલમાં નિદાન  કરાવેલ હતું. જયાં ડોકટરે  તેમને  હદયનો વાલ્વ બદલાવવાની જરૂર છે. તેમ જણાવેલ હતું. અને બાંગ્લાદેશના ચલણ મુજબ ૬,૦૦,૦૦૦ નો ખર્ચ થશે. તેમ જણાવતા આ ગરીબ દર્દી  ખુબજ નાસીપાસ થઇ ગયો હતો.

 પણ દરેક અંધકારમાં એક સૂર્યનું કિરણ ઉગતું હોઈ છે. તેમ આ દર્દીના  એક સગા કે જે બાંગ્લાદેશના છે. તેમનું હ્રનદયનું ઓપરેશન ડિસે. ૨૦૧૯ માં શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આથી તેઓ દર્દીને લઇ મેડિકલ વીઝા ઉપર રાજકોટ હોસ્પિટલ આવેલ હતા આ લોકોને ભાષાની તકલીફના પડે તે માટે કલકત્ત્।ાથી એક તેઓના પરિચિત પણ સાથે આવેલ હતા .

દર્દીને જરૂરી તમામ રિપોર્ટ કર્યા બાદ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરેલ હતા અને ભગવાન સાંઈ બાબાની કૃપાથી તદ્દન વીનામુલ્યે તેઓનું હદયના વાલ્વ  બદલવાનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.આ દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા ૨૯-૦૪-૨૦૨૧ હોસ્પિટલ માંથી રજા લઇ પોતાના વતન બાંગ્લાદેશ ખાતે ગયા છે.

ભગવાન બાબાની કરુણા અને આશીર્વાદથી   સરહદથી  પારના આ યુવાન વ્યકિતને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(3:13 pm IST)