રાજકોટ
News of Thursday, 29th April 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મહિલા દર્દીએ સગાને એક ફોન કર્યો...ને બધા ધંધે લાગી ગયા

કાલે જ દાખલ થયા, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં સવારે શિફટ કરાયા ત્યારે ચોંકાનવારો આક્ષેપ કરતાં પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરીઃ આક્ષેપોમાં હાલ કોઇ તથ્ય જણાતું નથી

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ગઇકાલે બુધવારે વહેલી સવારે દાખલ કરવામાં આવેલા એક ૫૫ થી ૫૮ વર્ષના પ્રોૈઢાએ આજે પોતાના સગાને ફોન કરી મને અહિથી લઇ જાવ તેમ કહેતાં સગા તાબડતોબ પહોંચ્યા હતાં. ગઇકાલે તેમનું ઓકિસજન લેવલ ઓછુ હોઇ દાખલ કરવા પડ્યા હતાં. આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં વોર્ડ શિફટ કરતી વખતે એક સગાને આ મહિલાએ પોતાની સાથે રાતે અજુગતુ થયાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ સુધી વાત પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાએ કોવિડ વોર્ડમાં પોતાની સાથે બળજબરી થયાનો આક્ષેપ કર્યો છે. જો કે કોવિડ વોર્ડમાં મહિલાની આજુબાજુમાં પણ બીજા બે દર્દી હતાં. આ જોતાં આવુ કઇ થઇ શકે તેવી શકયતા હાલ જણાઇ નથી.

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં મહિલા પોતાની સાથે બળાત્કાર થયાનું બોલી રહ્યા છે. તેમના સગા પણ આક્ષેપો કરી રહ્યા છે. મહિલાને ગઇકાલે બુધવારે વહેલી સવારે સવાચાર સાડાચારે કોવિડમાં દાખલ કરાયા હતાં. ઓકિસજન લેવલ ઓછુ હોઇ એ માટે દાખલ કરી સારવાર શરૂ કરાઇ હતી. પરંતુ આજે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને બીજા વોર્ડમાં શિફટ કરવાના હતાં. એ દરમિયાન સવારે આ મહિલાએ સગાને ફોન કરીને પોતાની સાથે બળાત્કાર થયાનું કહેતાં દોડધામ મચી ગઇ હતી. વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે કાઉન્સેલીંગ શરૂ કરાવ્યું હતું. પ્રાથમિક તબક્કે આ માત્ર આક્ષેપો જ જણાયા છે.

જ્યાં આ મહિલા દાખલ હતાં ત્યાં તેની આજુબાજુમાં જ બીજા દર્દીઓ પણ દાખલ હતાં. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતાં ત્યારે મહિલાના આક્ષેપોમાં તથ્ય છે કે કેમ? તે અંગે હાલ શંકાઓ ઉપજી છે. આમ છતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)