રાજકોટ
News of Thursday, 29th April 2021

આજે ખુશાલીના સમાચાર છે...સિવીલમાં આજે જરા પણ લાઇનો નથીઃ હજુ એક અઠવાડીયુ જોવુ પડશેઃ કલેકટર

પોઝીટીવીટી પણ ઘટી છેઃ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પ૦ બેડ શરૂ થઇ ગયા છેઃ વધુ શરૂ કરાશે : ખાનગી હોસ્પીટલોને સુચનાઃ જેવો ઓકસીજન ખલાસ થાય તુર્ત જ જાણ કરો...જેથી મુશ્કેલી ન પડે : પત્રકારોને વિગતો આપતાકલેકટર રેમ્યા મોહન તથા નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા

રાજકોટ તા. ર૯ :.. કલેકટરશ્રી રેમ્યા મોહન તથા કોવીડ-૧૯ અંગે રાજકોટ જીલ્લાના નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે ખુશાલીના સમાચાર છે, કેસો ઘણા ઘટયા છે, ઓપીડી પણ ઘટી છે, અને સીવીલમાં દાખલ થવા અંગે ચૌધરી હાઇસ્કુલમાંથી લાઇન થતી તે આજે સવારથી જરા પણ નથી... બે દિવસથી દાખલ થવા સામે ડીસ્ચાર્જની સંખ્યા ઘટી છે, તે પણ સારી વાત છે.

બંને અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, આમ છતાં હજુ એક વીક આપણે જોવુ પડશે, આવો ને આવો સુધારાનો ટ્રેન્ડ રહે તે જરૂરી છે, પોઝીટીવીટી ઘટી છે, તે સારી બાબત છે, અને લોકો એલર્ટ રહે તેવી અપીલ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આજ સવારથી સૌરાષ્ટ્ર યુનિ. ખાતેના કન્વેશન સેન્ટરમાં ઓકસીઝન સુવિધા સાથેના પ૦ બેડ શરૂ થઇ ગયા છે, અને ઘણા દર્દીઓને સીવીલ તથા કેન્સરમાંથી ત્યાં ખસેડયા પણ છે.

કલેકટરે જણાવેલ કે ખાનગી હોસ્પીટલના ડોકટરો સાથે પણ મીટીંગ કરાઇ છે, તે લોકોને જણાવ્યું છે કે તમારે ત્યાં ઓકસીજનના ર થી ૩ ટેન્ક હોય અને જેવુ એક ખાલી થાય ત્યારે તુર્ત જ જાણ કરો, બધી ટેન્ક ખાલી જોવાની રાહ ન જૂઓ જેથી કરીને લાઇનોની મુશ્કેલી ન પડે, અને સરખી રીતે વ્યવસ્થા ગોઠવી શકાય.

(3:54 pm IST)