રાજકોટ
News of Thursday, 29th April 2021

ઉદયનગરમાં નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી ઝંપલાવી સ્મીતાબા ગોહિલની આત્મહત્યા

ચાર દિવસથી મગજભમતો હોવાના લીધે મહિલાએ પગલુ ભર્યાનું ખુલ્યુ : પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૨૯ : મવડી ઉદયનગરમાં રહેતી મહિલાએ ઘરની બાજુમાં નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઉદયનગર શેરી નં. ૨ માં રહેતા સ્મીતાબા મનોહરસિંહ ઉર્ફે વિજયસિંહ ગોહિલ (ઉવ.૩૩) સાંજે પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેના જેઠના બે દીકરાઓએ તેને પકડતા મહિલાએ દોટ મુકી ઘરની બાજુમાં નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી ઝંપલાવી દીધુ હતું.બનાવ બનતા દેકારો બોલતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડ્યા તથા રાઇટર ઘનશ્યામસિંહએ તપાસ હાથ ધરી છે.

 મૃતક સ્મીતાબાના પતિ મવડી ચોકડી પાસે સીલાઇ મશીન વેચવાનું અને રીપેરીંગની દુકાન ધરાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને છેલ્લા ચાર દિવસથી મગજ ભમતો હોય તેના લીધ તેણે આ પગલુ ભર્યું હોવાનું પતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

દારૂના કેસમાં એકવર્ષથી ફરાર જુબેર ઉર્ફે રાજુ દારૂની ૧ર બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ર૯ : બજરંગવાડી સર્કલ પાસેથી પકડાયેલા દારૂના કેસમાં એકવર્ષથી ફરાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે દારૂની બાર બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોરોના મહામારી અંતર્ગત મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા હેડ કોન્સ.ખોડુભા જાડેજા, કોન્સ કિશોરભાઇ ધુધલ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ તથા દિનેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે શીતલપાર્ક પાસેથી જુબેર ઉર્ફે રાજુ ઉર્ફે જોની રજાકભાઇ કારમાણી (ઉ.૩પ) (રહે. ભગવતીપરા)ને રૂ.૪૮૦૦ ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો. જુબેર ઉર્ફે રાજુ બજરંગવાડી સર્કલ પાસેથી પકડાયેલા દારૂના ગુનામાં એકવર્ષથી ફરાર હતો.

(3:07 pm IST)