રાજકોટ
News of Saturday, 29th February 2020

લગ્ન માટે ઉતાવળો થયેલો વેકરીનો ભાવેશ સગીર વયની મંગેતરનું અપહરણ કરી ગયો!

કોઠારીયા રોડ ગોવિંદનગરમાં રહેતાં દામજીભાઇ પીપળીયાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૯: અપહરણના એક વિચીત્ર કિસ્સામાં ગોંડલના વેકરીનો પટેલ શખ્સ રાજકોટ રહેતી તેની મંગેતરને ભગાડી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ યુવાન લગ્ન માટે ઉતાવળો થતો હતો, પરંતુ મંગેતરની ઉમર પુખ્ત થવામાં હજુ એક વર્ષ ઓછી હોઇ તે લલચાવી-ફોસલાવી ભગાડી ગયાના આરોપ સાથે મંગેતરના પિતાએ એફઆઇઆર નોંધાવી છે.

ભકિતનગર પોલીસે આ બનાવમાં કોઠારીયા રોડ ગોવિંદનગર-૫માં રહેતાં અને મજૂરી કરતાં દામજીભાઇ પ્રેમજીભાઇ પીપળીયા (પટેલ) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ગોંડલના વેકરી ગામે રહેતાં ભાવેશ રસિકભાઇ સોરઠીયા (પટેલ) સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

દામજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રીની ઉમર ૧૭ વર્ષની છે. ૭/૨ના હું કામે ગયો હતો અને પત્નિ તથા દિકરી ઘરે હતાં. સાંજે સાડા પાંચેક વાગ્યે દિકરી ઘર નજીક આવેલી દૂકાને ખરીદી કરવા જવાનું કહીને નીકળી હતી. સાંજે છએક વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે દિકરી જોવા ન મળતાં પત્નિને પુછ્યા બાદ અમે આસપાસમાં તપાસ શરૂ કરી હતી. પરંતુ તે મળી આવી નહોતી.

દિકરીને અમારા સમાજના જ વેકરી ગામના ભાવેશ સોરઠીયા સાથે પ્રેમસંબંધ હોઇ અમે તેની સગાઇ તેની સાથે કરી આપી હતી. એ પછી ભાવેશ સતત લગ્ન કરી દેવાનું દબાણ કરતો હતો. પરંતુ હાલમાં દિકરીની ઉમર લગ્ન માટે એક વર્ષ ઓછી પડતી હોઇ અમે રાહ જોવાનું કહ્યું હતું. ભાવેશ અંગે તપાસ કરતાં તે પણ તેના ઘરે જોવા મળ્યો નહોતો. તેનો ફોન પણ બંધ આવતો હતો. અત્યાર સુધી અમે તપાસ ચાલુ રાખી હતી. અમારી દિકરી પરત આવી નથી અને ભાવેશ પણ તેના ઘરે આવ્યો નથી. આથી તે મારી દિકરીને ભગાડી ગયાની ખબર પડતાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ઇન્સપેકટર વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:07 pm IST)