રાજકોટ
News of Saturday, 29th January 2022

અલગ-અલગ નગરપાલીકા શ્રમયોગીની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૨૯: અલગ - અલગ નગરપાલીકાઓના ગ્રુપ શ્રમયોગીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપેલ છે.
ધોરાજી નગરપાલીકાના શ્રમયોગીઓ અરૂણભાઇ પરમાર તથા નરેશભાઇ ઝાલાને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છુટા કરવામાં આવતા તેઓએ ઔદ્યોગિક ન્‍યાયપંચ, રાજકોટ સમક્ષ કેઇસો દાખલ કરેલા. રાજકોટની ન્‍યાયપંચે શ્રમયોગીઓને સળંગ નોકરીથી પુનઃસ્‍થાપિત કરવા આદેશ કરેલ, જેની સામે સંસ્‍થાએ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરેલ જે રદ થતાં સંસ્‍થાએ ડીવીઝન બેંચ સમક્ષ લેટર્સ પેંટન્‍ટ અપીલ દાખલ કરીને નીચેના હુકમો પડકારેલ હતા.
ડીવીઝન બેંચે સ્‍પષ્‍ટપણે ઠરાવેલ છે કે, સંસ્‍થાએ શ્રમયોગીઓને ગેરકાયદેસર છુટા કરતા નીચેની અદાલતે પડેલ પુરાવાના આધારે જે ચૂકાદાઓ આપેલ છે તે યોગ્‍ય અને વ્‍યાજબી જણાતા હોવાનું ઠરાવી સંસ્‍થાની અપીલો રદ કરેલ હતી.
વધુમાં ભાણવડ નગરપાલીકાના ૫ શ્રમયોગીઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પીટીશનો દાખલ કરેલ જેમાં તેમની તરફેણમાં ચૂકાદાઓ આવેલ છે. ભાણવડ નગરપાલીકાના શ્રમયોગીઓની રજુઆત એવી હતી કે તેઓએ સંસ્‍થા સમક્ષ કાયમી થવાની માંગણી મૂકતા, તેમને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છુટા કરી દેવામાં આવેલ. જેથી તેઓએ મજુર અદાલત, જામનગર સમક્ષ પુનઃ સ્‍થાપિત થવાના કેઇસો કરેલ પરંતુ મજુર અદાલતે ફકત વળતરના હુકમો કરેલ અને નોકરીની માંગણી નકારેલ હતી. જેથી હાઇકોર્ટ સમક્ષ દાદ માંગવામાં આવેલ જેના હીયરીંગ બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ ગ્રુપ શ્રમયોગીઓને એક માસની અંદર નોકરીમાં સળંગ નોકરી સાથે પુનઃસ્‍થાપિત કરવા સંસ્‍થાને આદેશ આપેલ છે.
વધુમાં ઓખા નગરપાલીકા દ્વારા કરવામાં આવેલ રીટ પીટીશનો પણ રદ કરી શ્રમયોગીઓને સળંગ નોકરી તથા અનુસાંગિક લાભો સાથે પુનઃસ્‍થાપિત કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટે આદેશ કરેલ હતા.
ઉકત તમામ કેઇસોમાં અલગ અલગ નગરપાલીકાના શ્રમયોગીઓ વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજયગુરૂ રોકાયા હતા.


 

(3:36 pm IST)