રાજકોટ
News of Saturday, 29th January 2022

રામનાથ મંદિર પાસે ફિલ્‍મી ઢબે પીછો થતાં ૧.૪૫ લાખનો દારૂ ભરેલી કાર મુકી ચાલક ભાગી ગયો

બીજા દરોડામાં યાર્ડ સર્વિસ રોડ પર ૯૦ બોટલ સાથે સ્‍કોડા પકડાઇ : ક્રાઇમ બ્રાંચના પી. બી. જેબલીયા અને એમ. એમ. ઝાલાની ટીમના દરોડા

રાજકોટ તા. ૨૯: જુદા જુદા બે દરોડામાં ક્રાઇમ બ્રાંચે રામનાથ મહાદેવ મંદિર વાળા રોડ પર ફિલ્‍મી ઢબે પીછો કરી રૂા. ૧.૪૫ લાખનો દારૂ ભરેલી કાર પકડી લીધી હતી. ચાલક ભાગી ગયો હતો. જ્‍યારે માર્કેટ યાર્ડ સર્વિસ રોડ પરથી પણ ૯૦ બોટલ દારૂ સાથેની એક સ્‍કોડા પકડી હતી. તેનો ચાલક પણ હાથમાં આવ્‍યો નહોતો.
પ્રાપ્‍ત માહિતી મુજબ સંત કબીર રોડ પરના નાલા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમ વાહન ચેકીંગમાં હતી ત્‍યારે જીજે૦૧એચએફ-૫૪૨૦ નંબરની ક્‍વાલીસ ગાડી સર્વિસ રોડ તરફથી શંકાસ્‍પદ રીતે આવતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલકે પુરઝડપે કાર ભગાવી મુકતાં પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરતાં ચાલક રામનાથ મહાદેવ મંદિરવાળા રોડ પર કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં અંદરથી રૂા. ૭૯૨૦૦નો ૧૯૮ બોટલ મેકડોવેલ્‍સ નંબર વન બ્રાન્‍ડનો દારૂ અને રૂા. ૬૬ હજારનો ઓલ સિઝન બ્રાન્‍ડનો ૧૩૨ બોટલ દારૂ મળી આવતાં દારૂ, કાર મળી કુલ રૂા. ૪,૯૫,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.
જ્‍યારે બીજા દરોડામાં જુના માર્કેટીંગ યાર્ડ રોડ પુલ પાસે સર્વિસ રોડ પર ડીસીબીની ટીમે સ્‍કોડા કાર જીજે૦૪સીજે-૦૧૨૯ને શંકાને આધારે અટકાવતાં ચાલક અંધારાનો લાભ લઇ ગાડી મુકીને ભાગી ગયો હતો. આ કારમાંથી રૂા. ૩૬ હજારનો મેકડોવેલ્‍સ નંબર વન બ્રાન્‍ડનો ૯૦ બોટલ દારૂ મળતાં તે તથા કાર મળી ૪,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. ધીરેનભાઇ માલકીયા, સંજયભાઇ ચાવડા, કોન્‍સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, જગદીશભાઇ વાંક, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર તથા બીજી ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્‍સ. અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, નિતેષભાઇ બારૈયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

 

(3:31 pm IST)