રાજકોટ
News of Saturday, 29th January 2022

ધંધુકામાં કિશન બોળિયાની હત્‍યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરો

ધંધુકાની ઘટના અંગે હિન્‍દુ જાગરણ મંચે આજે કલેકટર કચેરી ખાતે દેખાવો કરી આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ર૯: હિન્‍દુ જાગરણ મંચે રાજકોટ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ગત રપ જાન્‍યુઆરીના રોજ ધંધુકામાં થયેલ કિશન શિવાભાઇ બોળિયા નામનાં યુવાનની હત્‍યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.આવેદનમાં જણાવેલ કે, ગત તારીખ રપ/૦૧/ર૦રર ના બુધવારના રોજ અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે જાહેરમાં ફાયરિંગ કરી કિશન શિવાભાઇ બોળિયા નામના યુવાનની હત્‍યા કરવામાં આવી હતી, આ હત્‍યામાં સંડોવાયેલા શબ્‍બીર અને અન્‍ય એક આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી તાત્‍કાલિક ધોરણે થાય અને એમને યોગ્‍ય સજા મળી રહે તે હેતુથી આ આવેદનપત્ર આપને પાઠવી રહ્યા છીએ. હત્‍યાનો ભોગ બનનાર યુવાન કિશન શિવાભાઇ બોળિયા અમદાવાદ માલધારી સમાજ અને હિન્‍દુ સમાજના પણ આગેવાન હતા.
કિશન બોળિયા દ્વારા થોડા દિવસ પહેલાં સોશિયલ મિડિયામાં એક પોસ્‍ટ મુકવામાં આવી હતી અને તે બાબતે રોષ જોવા મળ્‍યો હતો. આ સોશિયલ મીડિયામાં મુકાયેલ પોસ્‍ટનો વિધર્મીઓ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ આ પોસ્‍ટનો જવાબ આપવા માટે વિધર્મીઓ દ્વારા આ હત્‍યા નીપજવવા માટે ગુનાહિત કાવતરૂં રચવામાં આવેલ.
ધંધુકાના મોઢવાડા-સુંદરકૂવા વિસ્‍તારમાં જયાં કિશન બોળિયા બાઇક પર જઇ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર શબ્‍બીર અને અન્‍ય એક આરોપીએ તેમના પર બે રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું. વિગત અનુસાર આ બંને વિધર્મી શખ્‍સો હોઇ જૂની સોશિયલ મીડિયાની પોસ્‍ટનો ખાર રાખીને અન્‍ય શખ્‍સો સાથે મળી ગુનાહિત કાવતરૂં રચીને આ હત્‍યા નિપજાવેલ હતી.
આવેદન દેવામાં હિન્‍દુ જાગરણ મંચના અધ્‍યક્ષ રક્ષિતભાઇ કલોલા, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, રાજીવભાઇ ઘેલાણી, રમેશભાઇ કકકડ, ધ્રુવભાઇ કુંડેલ, જયભાઇ ભાણવાડિયા વિગેરે જોડાયા હતા.


 

(2:56 pm IST)