રાજકોટ
News of Wednesday, 29th January 2020

રાજકોટના નલિનીબેન શિંદે પર ગોંડલમાં ફેસબૂક ફ્રેન્ડ અશ્વિનનો છરીથી હુમલો

મોબાઇલના ધંધાર્થી એવા અશ્વિન સાથે રહેવા બાબતે ઝઘડો થતાં માથાકુટ થઇ

રાજકોટ તા. ૨૯: શહેરના એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્ક પાસે મારૂતિનગરમાં રહેતાં અને નર્સિંગનું કામ કરતાં નલિનીબેન ઉમાકાંતભાઇ શિંદે (ઉ.વ.૪૭) નામના વિધવા મહિલા પર ગોંડલમાં તેના ફેસબૂક ફ્રેન્ડ મોબાઇલ ફોનના ધંધાર્થી શખ્સે છરીથી હુમલો કરી ઇજા કરતાં ગોંડલ હોસ્પિટલમાં સારવાર લઇ રાજકોટ દાખલ થયા હતાં. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મારૂતિનગરમાં રહેતાં નલિનીબેન શિંદે સાંજે સાડા આઠેક વાગ્યે ગોંડલ સ્વામિનારાયણ મંદિર નજીક કપુરીયા ચોકમાં તેના ફેસબૂક ફ્રેન્ડ અશ્વિનભાઇના ઘરે હતાં ત્યારે ઝઘડો થતાં અશ્વિનભાઇએ છરીથી હુમલો કરી ઇજા કરી હતી. બાદમાં તેણે જ તેમને ગોંડલની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં અને જતો રહ્યો હતો. ગોંડલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફત બાદમાં નલિનીબેનને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગોંડલ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. આર. ડી. ઝાલાએ રાજકોટ આવી નિવેદન નોંધ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ નલિનીબેન અને ગોંડલના અશ્વિનભાઇ વચ્ચે ફેસબૂક થકી મિત્રતા થઇ હતી. અશ્વિનભાઇ પરિણીત છે અને નલિનીબેનને બે પુત્રી છે, અને વિધવા છે. મુળ મહારાષ્ટ્રના વતની છે. અગાઉ પણ બંને વચ્ચે માથાકુટ થતાં નલિનીબેને બ્લેડથી છરકા કર્યા હતાં. ગઇકાલે સાથે રહેવા બાબતે ફરીથી ઝઘડો થતાં અશ્વિનભાઇએ છરીથી હુમલો કર્યાનું બહાર આવ્યું છે. અશ્વિનભાઇ મળ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.

(11:53 am IST)