રાજકોટ
News of Monday, 28th December 2020

૩૬ લાખની રદ થયેલી નોટો વિસામણના વિશાલે આપી હતીઃ આરબીઆઇ-ઇન્કમટેકસને જાણ કરાશે

વિશાલે આ નોટો મિત્રો હરેશ અને દિલીપને વટાવવા આપી હતીઃ આ બંનેએ પોતાના મિત્ર મેહુલને વટાવવા આપી ત્યાં જ ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

રાજકોટ તા. ૨૮: આજીડેમ ચોકડી પાસે રામ પાર્કના ખુણા પાસેથી શનિવારે રાતે ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સો રામ પાર્ક-૩માં રહેતાં મુળ જસદણ મઢડાના હરેશ જેસંગભાઇ ચાવડા, તેના પિત્રાઇ દિલીફપ બધાભાઇ ચાવડા અને વાવડી આકાર હાઇટ્સના મુળ ધોરાજીના મેહુલ ઉર્ફ મોૈલિક લાલજીભાઇ બાબરીયાને રૂ. ૫૦૦ના દરની રદ થઇ ગયેલી ૩૬ લાખની ચલણી નોટો સાથે પકડી લીધા હતાં. તપાસમાં સુત્રધાર તરીકે પડધરીના વિસામણ ગામના વિશાલ પટેલનું નામ  સામે આવતાં તેની શોધખોળ થઇ રહી છે.

ડીસીબીના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને શકિતસિંહ ગોહિલની બાતમી પરથી પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે ત્રણેયને પકડી એક બાઇક પણ કબ્જે કર્યુ હતું. ત્રણેય પાસેથી ૩૬ લાખની રદ થયેલી પાંચસોના દરની નોટો મળતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હરેશ અને તેના પિત્રાઇ દિલીપ ડ્રાઇવીંગ કામ અને ખેતી કામ કરે છે. આ બંનેને પડધરીના વિસામણ ગામના વિશાલ પટેલે પાંચેક દિવસ પહેલા રદ થયેલી ૩૬ લાખની નોટો આપી હતી.

એ પછી આ બંને ભાઇઓએ પોતાના મિત્ર ધોરાજીના અને હાલ વાવડી રહેતાં મેહુલ ઉર્ફ મૌલિકનો સંપર્ક કરી નોટો વટાવવાની વાત કરી હતી. મેહુલ અગાઉ ડિપ ઇરીગેશન ફુવારાનું કામ કરતો હતો અને હાલ બેકાર હોઇ તેણે પોતે નોટો વટાવી આપશે એવી વાત કરી હતી. ત્રણેય નોટોની લેતી-દેતી માટે એકઠા થયા ત્યાં જ ક્રાઇમ બ્રાંચે પકડ્યા હતાં.

પોલીસ આ અંગે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ અને આરબીઆઇને જાણ કરશે અને બાદમાં મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરાશે. વિશાલ પટેલે રદ થયેલી નોટોની સામે જે હાલના ચલણની નોટો આવે તેમાંથી પંદર ટકા કમિશન પોતે આપશે તેવી વાત હરેશ અને દિલીપને કરી હતી. વિશાલ હાથમાં આવ્યા બાદ તેની પાસે આ નોટો કયાંથી આવી તે બહાર આવશે. એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, રઘુભા વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ અને અશોકભાઇ ડાંગર વધુ તપાસ કરે છે.

(12:50 pm IST)