રાજકોટ
News of Monday, 28th December 2020

ચેતજો...રાજકોટમાં મકર સંક્રાંતિ પહેલા જ જીવલેણ દૂર્ઘટના

નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર પાસે પતંગની દોરીથી ગળુ કપાતા સુથાર યુવાન વિપુલનું મોત

મવડી પ્લોટ ગોપાલ પાર્કના વિપુલ બકરાણીયા (ઉ.વ.૩૯) કામેથી એકટીવા પર ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ હોસ્પિટલે ખસેડાયા પણ જીવ ન બચ્યો

પતગના દોરાથી જીવ ગુમાવનારા વિપુલભાઇ (વચ્ચે), તેમની લાડકી દિકરી જીયા અને શોકમય સ્વજનો તથા વિપુલભાઇનું નિવાસસ્થાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: પતંગના પર્વ મકર સંક્રાંતિને હજુ પખવાડીયાની વાર છે. દર વર્ષે પતંગના દોરાથી ગંભીર ઇજા થવાના કે પછી ગળુ કપાઇ જતાં મોત થવાના બનાવો બનતા રહે છે. ત્યાં સંક્રાંતિ પહેલા જ જીવલેણ ઘટના પતંગના દોરાને કારણે બની છે. મવડી પ્લોટના સુથાર યુવાન એકટીવા હંકારી કામેથી છુટીને પાછળ પોતાના મિત્રને બેસાડી ઘરે જતાં હતાં ત્યારે નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરની સામે પતંગનો દોરો ગળામાં ફસાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

એરરાટી ઉપજાવતી આ ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ મવડી પ્લોટ અંકુર સોસાયટી મેઇન રોડ પર આવેલા ગોપાલ પાર્ક-૨માં રહેતાં વિપુલ નાનાલાલ બકરાણીયા (ઉ.વ.૩૯) નામના સુથાર યુવાન સાંજે સવા છએક વાગ્યે ફર્નિચર કામની પોતાની સાઇટ પરથી કામ પુરૂ કરી પોતાના એકટીવા પર ઘરે જઇ રહ્યા હતાં ત્યારે પાછળ તેમનો મિત્ર પણ બેઠો હતો. બંને નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરની સામેના રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક વિપુલના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગંભીર ઇજા થઇ હતી અને એકટીવા સહિત બંને મિત્રો ફેંકાઇ ગયા હતાં.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. મિત્રએ તાકીદે વિપુલને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડેલ. પરંતુ અહિ સારવાર કારગત નિવડી નહોતી અને દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં સ્વજનો હોસ્પિટલે પહોંચ્યા હતાં અને કલ્પાંત સર્જાયો હતો.

તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ અને રાઇટર રમેશભાઇ મકવાણાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃત્યુ પામનાર વિપુલ બકરાણીયા બે ભાઇમાં નાના હતાં. મોટા ભાઇ ભરતભાઇ પણ મિસ્ત્રી કામ કરે છે. વિપુલભાઇને સંતાનમાં ૮વર્ષની એક દિકરી જીયા છે. તેણે પિતાનું છત્ર ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.  સાંજે પપ્પાના ઘરે આવવાની તે રાહ જોઇ રહી હતી, પરંતુ તેમનો મૃતદેહ આવતાં હેબતાઇ ગઇ હતી. મકરસંક્રાંતિ પહેલા જ પતંગના દોરાને કારણે આવી ઘટના બનતા અને એક પરિવારનો આધાર છિનવાઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

થોડા દિવસો પહેલા જ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મકરસંક્રાંતિને લગતું જાહેરનામુ બહાર પાડ્યું હતું. ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ સહિતના નિયમો તેમાં જણાવાયા હતાં. આ વચ્ચે પતંગના દોરાએ એક પરિવારના આધારસ્તંભની જિંદગી છિનવી લીધી છે.

(2:50 pm IST)