રાજકોટ
News of Wednesday, 28th November 2018

રા.જ.પા. કાર્યકર્તાઓને મારકુટ કરવાના કેસમાં પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયા અને કોર્પોરેટર કશ્યપ શુકલનો છુટકારો

વીસેક વર્ષ પહેલા સંજય ગોસાઇ અને ગોવિંદભાઇ ફુલવાળા ઉપર હુમલો કરતાં ફરિયાદ થયેલ

રાજકોટ તા.૨૮: પોલીસ તથા ભા.જ.પા. કાયકર્તા ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પૂર્વ ડે. મેયર માવજીભાઇ ડોડીયા તથા કોર્પોરેટર કશ્યપ શુકલ સામેનો કેસ ચાલી જતાં કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, આજથી વીસેક વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઇ પરબતભાઇ છૈયાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી કે, ભા.જ.પા.ના પ્રદેશ મહામંત્રીશ્રી જીતુભાઇ મહેતાના પ્રોડકશનમાં હોઇ તે ગોવિંદભાઇ ફુલવાળાને ઇજા થતા દાખલ થયેલ હોય, ખબર પુછવા જતા રા.જ.પા.ના કાર્યકતાઓેએ સંજય ગોસાઇને ઢીકા પાટુનો માર મારેલ અને જીતુ મહેતાને માર મારવા જતા પોતે રોકાતા પોતાની ફરજમાં રૂકાવટ કરેલ ની ફરીયાદ રા.જ.પા.ના અને હાલમાં ભા.જ.પા.ના પૂર્વ ડે.મેયર માવજીભાઇ ડોડીયા, કોર્પોરેટર અને પૂર્વ સ્ટે.ચેરમેન કશ્યપ શુકલ સહિતના સામે ફરીયાદ કરેલ જે કેસ ચાલી જતા બંનેને નિદોર્ષ છોડી મુકવાનો આદેશ મેજી. શ્રી સુતરીયા મેડમે કરેલ હતો.

આ કામે તા. ૨૧-૦૨-૧૯૯૮ના રાત્રીના આઠેક વાગ્યે ભા.જ.પા. મધ્યસ્થ કાર્યલયે જીતુ મહેતાનો ફોન આવેલ કે ભા.જ.પા.ના કાર્યકર ગોવિંદભાઇ ફુલવાળા ઉપર રા.જ.પા. પક્ષના કાર્યકર્તાઓ એ હુમલો કરેલ છે તમે તાત્કાલીક જંકશન પ્લોટમાં આવો તેથી ત્યાં ગયેલ અને ગોવિંદભાઇ ફુલવાળાને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે કમાન્ડો સાથે દાખલ કરેલ ત્યાં ભા.જ.પા.ના કાર્યકર્તાને ખબર પડતા આવવા લાગેલ ત્યાં રા.જ.પા.ના કાર્યકર્તા કશ્યપભાઇ શુકલ અને માવજીભાઇ ડોડીયા તથા પચાસેક માણસો જીતુભાઇ તરફ ગાળો બોલતા આવતા હતા અને સંજય ગોસાઇને માર મારેલ હતા, કમાન્ડો પોલીસ ટોળા વચ્ચેથી પોલીસ મોબાઇલમાં બેસાડી લઇ ગયેલ હતી તે સંબંધેની ફરીયાદ કમાન્ડોએ કરેલ હતી.

આ કામમાં ફરીયાદી પોલીસ કોન્સટેબલ, સંજય ગોસાઇ, ગોવિંદભાઇ ફુલવાળા, ભાનુભાઇ પોલીસ, ગોકુળભાઇ જમાદાર, ભાનુભાઇ ડાંગર, દીનુભાઇ ભરવાડ, જીતુભાઇ મહેતા, અતુલભાઇ જાની તથા તપાસ કરનાર અમલદાર ડી.એમ. વાઘેલાની જુબાની કોર્ટ દ્વારા લેવામાં આવેલ હતી. આ તમામ કેસના પુરાવા તથા થયેલ દલીલોને ધ્યાને લઇ માર મારી ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર મંડળી રચી એકબીજાને મદદગારી કરવાના ગુનામાં બંને આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરેલ હતો.

આ કામના આરોપી માવજીભાઇ ડોડીયા તથા કશ્યપ શુકલા તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, ગૌરાંગ ગોકાણી, તારક સાવંત રોકાયા હતા.(૧.૮)

(3:21 pm IST)