રાજકોટ
News of Wednesday, 28th October 2020

ગુજરાતી કલા જગતે ત્રણ ત્રણ તારલા ગુમાવ્યા!

રાજકોટ તા. ર૮: બે-એક દિવસોના અંતરે ત્રણ ત્રણ કલા મહાનુભાવો ૧. હસમુખ રાવળ, ર. મહેશ કનોડીયા તથા ૩. નરેશ કનોડીયા સ્વર્ગસ્થ થયાં.

સ્વ. હસમુખ રાવળે આકાશવાણી રાજકોટ માટે પોતાના શ્રાવ્યક્ષમ્ય અને એક એકથી ચઢિયાતા રેડિયો નાટકો લખ્યા અને સર્જી બતાવ્યા. રાષ્ટ્રિય કક્ષાની રેડિયો નાટક સ્પર્ધામાં તેઓ સર્જીત રાજકોટનું નાટક ''ઉત્પાદન નારાયણની કથા'' પ્રથમ (૧૯૭૩-૭૪) સ્થાન મેળવી રાષ્ટ્રપતિ હસ્તક સન્માન મેળવ્યું હતું. તેઓને ઘણાં આદર-સન્માનો મળ્યા હતા. તેઓ કલમના પણ કસબી રહ્યા હતા ઘણાં પુસ્તકો, રેડિયો, રંગભુમી નાટકો તેમજ ટીવી માટેની સ્ક્રીપ્ટો લખી હતી. વિશ્વની શ્રેષ્ઠ લોક વાર્તાઓ માટે મેઘાણી એવોર્ડથી સન્માનિત હસમુખભાઇ તેઓના રેડિયો નાટ્ય નિર્માણ તથા કલમનવિષ્ટ તરીકે ચીરંજીવ સ્મરણીય રહેશે.

આવો જ બીજો કલા જીવ એટલે સ્વ. નરેશ કનોડીયાઃ દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવનમાં તા. ૧૭-૧૦-ર૦૧પ ના દિવસે યોજાયેલ કેન્દ્ર સરકારના, ગુજરાત સંસ્કૃતિને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ખાસ ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કલાઓના બબ્બે-ત્રણ ત્રણ શ્રેષ્ઠિઓને તમામ સરકારી ખર્ચે ''ડીગ્નીટરી ઇન્વાયરી'' અતિથી વિશેષનું આમંત્રણ હતું. આ લખનારને અન્ય કલા શ્રેષ્ઠીઓ સાથે, નાટય શ્રેષ્ઠી તરીકે તેમજ ફિલ્મ ક્ષેત્રે નરેશ કનોડીયા તથા ગૌરાંગ વ્યાસને પસંદ કરવામાં આવ્યા હતાં. દિલ્હી જવા-આવવાના સહવાસ દરમ્યાન નરેશભાઇ સાથે થોડી વાતો થઇ હતી.

તેમના મોટાભાઇ સ્વ. મહેશભાઇ જેમની, સ્ત્રી વોઇસમાં ગાઇ શકવાની વિશિષ્ટતા માટે જાણીતા હતા તે તથા સ્વ. નરેશભાઇ તેમની ગુજરાતી ફિલ્મોની ઉજજવળ ફિલ્મોગ્રાફી માટે કરેલ સંઘષૃ કદાચ કોઇએ નહિં કર્યો હોય. આ સંઘર્ષ બંને ભાઇઓને રાજકીય ક્ષેત્રે પણ ખુબ સફળતા અપાવી એટલું જ નહિં પેઢીઓની પેઢીઓ બાદ રહે એવા આલા દરજજાના એવોર્ડઝ પણ અપાવ્યા. કલાના આ ત્રણેય દિગ્ગજોને વંદન હો વંદન!!

- કૌશિક સિંધવ

મો. ૭૩પ૯૩ ર૬૦પ૧

(3:46 pm IST)