રાજકોટ
News of Wednesday, 28th October 2020

હવે નોન કોવીડ મૃતકોની અંતિમવિધી પણ ઇલેકટ્રીક સ્મશાનમાં કરવા છુટ

આજ સુધી ઇલેકટ્રીક ભઠ્ઠી કોરોના મૃતકો માટે અનામત રખાતી હતી

રાજકોટ, તા., ૨૮: કોરોના કાળમાં મૃતકો વધતા શહેરનાં ઇલેકટ્રીક સ્મશાનો કોરોના મૃતકોની અંતીમવિધિ માટે અનામત રખાતા હતા. પરંતુ હવે કોરોના મૃત્યાંકમાં મોટો ઘટાડો આવતા નોન કોવીડ ડેથવાળા શબને ઇલેકટ્રીક સ્મશાનમાં અંતીમવિધિની છુટ આપવામાં આવશે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે સ્મશાન ગૃહનાં સંચાલકોને જણાવ્યુ઼ છે કે કોઇ વ્યકિતનું કોરોના સંક્રમણ વગર જ મૃત્યુ થયું હોય એટલે કે (નોન કોવીડ ડેથ)ના કિસ્સામાં જો મૃતકનાં પરીવારજનો ઇચ્છે તો તેઓને ઇલેકટ્રીક સ્મશાનમાં અગ્નિદાહની છુટ આપવી. જો કે મૃતક પરીવારજનોને ઇલેકટ્રીક સ્મશાનમાં પ્રવેશ નહી અપાય.

આમ હવે ૮૦ ફુટ રોડ સ્મશાન, રામનાથ પરા, મવડી અને મોટા મવા વગેરેના ઇલેકટ્રીક સ્મશાનોમાં નોન કોવીડ ડેથવાળા વ્યકિતઓને પણ અગ્નિદાહ આપવાની છુટ આપવામાં આવી છે.

(3:42 pm IST)