રાજકોટ
News of Wednesday, 28th October 2020

હોર્ડીંગ્સ બોર્ડના ધંધાને કોરોના નડયોઃ મ.ન.પા.ને આવકમાં કરોડોનું ગાબડુ

કોરોના અગાઉ બોર્ડ ભાડે રાખનારા વેપારીઓની ડીપોઝીટ તંત્રએ જપ્ત કરી લીધીઃ હવે નવા ટેન્ડરો ભરવામાં નિરસતાઃ ૧૦૦૦ કીપોસ્ક, ૬૦ થી વધુ હોર્ડીંગ્સ અને બે ગેન્ટ્રી બોર્ડ માટે ટેન્ડરો પ્રસિધ્ધ

રાજકોટ તા. ર૮ :.. શહેરમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ એડવર્ટાઇઝીંગ એજન્સીઓને હોર્ડીગ્સ બોર્ડ, કિયોસ્ક બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડ ભાડે આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હોર્ડીગ્સનાં ધંધામાં પણ ભારે મંદિનો માહોલ જોવા મળતાં મ્યુ. કોર્પોરેશને હોડીગ્સ બોર્ડ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ બાબતે પ્રસિધ્ધ કરેલા ટેન્ડરો ભરવામાં એજન્સીઓનાં સંચાલકો હજુ સુધી ઉત્સાહ નથી બતાવી રહ્યા તેનાં કારણે હોર્ડીગ્સ બોર્ડની આવકનાં ૬ કરોડનાં લક્ષ્યાંકમાં ગાબડુ પડવાનો ભય તંત્ર વાહકોને સતાવી રહ્યો છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ દર વર્ષે માર્ચ મહીનમાં હોર્ડીગ્સ વગેરેનાં કોન્ટ્રોકટો આપવામાં આવતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આવેલ લોકડાઉનથી આ સમગ્ર પ્રક્રિયા પર બ્રેક લાગી ગયેલ.

દરમિયાન હોર્ડીગ્સનાં ધંધાર્થીઓએ તંત્ર વાહકોને અરજી કરી અને લોકડાઉનને કારણે ધંધો થઇ શકયો ન હોય ભાડામાં રાહત આપવા તંત્ર પાસે માંગ ઉઠાવી હતી પરંતુ તે માન્ય ન રહેતા. સૌ એજન્સીધારકોએ કોન્ટ્રાકટ પાછા ખેંચી લીધા અને જુલાઇથી લોકડાઉન ખૂલ્યુ ત્યારે અર્ધુ વર્ષ વિતી ગયુ હતું અને તંત્રએ એજન્સીધારકોની ડીપોઝીટ પણ જપ્ત કરી લીધી.

હવે રેસકોર્સ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મૌવા રોડ, ત્રિકોણ બાગ, સહિતનાં વિસ્તારો માટે ૧૦૦૦થી વધુ કિયોસ્ક બોર્ડ  ૬૦ થી વધુ હોર્ડીગ્સ બોર્ડ અને ર ગેન્ટ્રી બોર્ડનાં ટેન્ડરો પ્રસિધ્ધ કર્યા છે. પરંતુ હવે માત્ર વર્ષ પુર્ણ થવામાં પાંચ મહીનાં બાકી છે ત્યારે ટેન્ડરો ભરવામાં એજન્સી સંચાલકો નિરસતા દાખવી રહ્યા છે.

(3:39 pm IST)