રાજકોટ
News of Wednesday, 28th October 2020

SCAએ બીનખેતી માટે મુકેલી ૭૧ હજાર ચો. મી. જમીન સામે ખેડૂતનો વાંધો

સવારે ૧૧ વાગ્યાથી કલેકટર રેમ્યા મોહનનું ૩૬ કેસનું બોર્ડઃ અરજદારો-વકીલો ઉમટયા પહેલા માળે મેળા જેવુ વાતાવરણ : કલેકટરે આજે બંને પક્ષને સાંભળ્યાઃ હવે ચૂકાદોઃ ભારે ઉતેજનાઃ ખંઢેરી સર્વે નં. રપ૧ ની જમીનઃ જો કે ખેડૂત પાસે ૭/૧ર સહિતના કોઇ કાગળો નથી

રાજકોટ તા. ર૮ :.. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ફરી જમીનના મામલે પ્રકાશમાં આવ્યું છે, સ્ટેડીયમની બાજુની ખંઢેરી સર્વે નં. રપ૧ ની જ કુલ ૭૧ હજાર ૮૩૬ ચો. મી. જમીન કે જે બીનખેતી કરવા એસસીએ ના પ્રમુખ શ્રી જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ  પ્રવિણચંદ્ર શાહે કલેકટર સમક્ષ ફાઇલ અરજી કરી છે.

આ જમીન બીનખેતી કરવા સામે ત્યાંના જ રહેવાસી મીણબાઇ દેશળભાઇ જળુ વાઇફ ઓફ નાથાભાઇ ભગવાનજીભાઇ કોઠીવાર ઓનલાઇન ૩૦૯૦પર૦ર-૦૦૪૭પ૭ કેસ નંબરથી વાંધો ઉઠાવતા સન્નાટો પ્રસરી ગયો છે.

આજે ઉપરોકત કેસની કલેકટર સમક્ષ સુનાવણી હતી, કલેકટરે ઉપરોકત ખેડૂત કે જેઓ અરજદાર છે તેમને અને સામાવાળા એસસીએના શ્રી જયદેવ શાહ, હિમાંશુ શાહને સુનાવણી અર્થે બોલાવ્યા હતા, બંને પક્ષને કલેકટરે સાંભળ્યા છે, સુનાવણી થઇ ગઇ છે, અને હવે ચુકાદો અપાશે, આ કેસે કલેકટર લોબી અને જમીનના શાહ સોદાગરોમાં ભારે ઉતેજના જગાવી છે, જમીનની કિંમત કરોડોમાં થવા જાય છે.

અત્રે એ નોંધનીય છે કે અગાઉ આ કેસ કલેકટર એસ. એસ. આર. ડી. કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યાં વાંધા નીકળી ગયા હતાં. કલેકટર કચેરીના સુત્રોથી મળતી વિગતો મુજબ ખેડૂત પાસે જમીન અંગે કોઇ પુરાવા ન હોય વાંધાઓ નીકળી ગયા હતાં, ૭/૧ર, ૮/અ ના ઉતારા વિગેરે કાગળો  ન હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

હવે એસસીએએ જમીન બીનખેતી અંગે ફરી ફાઇલ મુકતા ખેડૂતે પોતાની પ૦ વર્ષ જૂની આ જમીન છે, સહિતની બાબતો - કાગળો આપી વાંધો રજૂ કરતા આજે સુનાવણી થઇ હતી, આ કેસે ભારે ઉતેજના જગાવી છે.

દરમિયાન આવા જ બે કેસમાં પણ અન્ય પાર્ટીઓના વાંધાઓ અંગે સુનાવણી થઇ હતી.

જેમાં અરજદાર પંકજકુમાર ફાચરાએ લોધીકા તાલુકના રાવકી ગામના સર્વે નં. ૩૦૯ ની ૬૩૭૬ ચો. મી. જમીન બીનખેતી કરવા બાબુભાઇ ગોરધનભાઇ ફાચરાએ મુકેલી ફાઇલ સામે વાંધો ઉઠાવ્યો છે, તો ઉપરોકત બંને પાર્ટીનો રાવકીનો જ સર્વે નં. ૩૦૧ નો પણ આવો જ એક કેસ હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન કલેકટર કચેરીમાં આજે સવારે ૧૧ વાગ્યાથી કલેકટર શ્રી રેમ્યા મોહનનું ૩૬ કેસનું બોર્ડ શરૂ થયુ છે, મહેસુલ અપીલ તકેદારી વિગેરે કેસોની સુનાવણી થઇ રહી છે, અરજદારો  - વકીલો પહેલા માળે ઉમટી પડયા છે, મેળા જેવુ વાતાવરણ જામ્યું હતું.

(3:16 pm IST)