રાજકોટ
News of Wednesday, 28th October 2020

કપાસની ખરીદી તાકિદે કરોઃ મગફળીમાં ભેજની ટકાવારી વધારોઃ કિસાન સંઘનું જીલ્લાભરમાં આવેદન

કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચારઃ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને રજુઆત

રાજકોટ તા.ર૮ : ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે આજે કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને તથા, રાજકોટ અને જીલ્લાભરમાં તાલુકા મથકોએ આવેદનપત્રો આપી કચેરીઓ ગજવી હતી.

આવેદનમાં દરેક જીલ્લામાં મૂખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં વળતર ચુકવવા, કપાસની ખરીદી તાકિદે ચાલુ કરવા મગફળીમાં ભેજની ટકાવારીમાં ર ટકા વધારો કરવા, ઉતારામાં ૧૦ ટકા ઘટાડો કરવા, ગામડામાં રખડતા પશુધન અંગે વ્યવસ્થા કરવા જીઇબીનું ખાનગીકરણ અટકાવવા માંગણી કરી હતી.

ગુજરાત સરકારે પાંજરાપોળો માટે આ વર્ષે નવી સહાયની જે જાહેરાત કરેલ છે તે જાહેરાતમાં જમીન મર્યાદા જે રાખેલ છે. તે યોગ્ય નથી ઘણી ગૌશાળાઓ અને પાંજરાપોળો પાસે માલીકીની જગ્યા નથી તેમ છતા લાખો ગાયોની સેવા કરે છે. તો સરકારે તે દરેક ગાયોને મદદ રૂપ થઇ શકે તે માટે જમીન મર્યાદાનો નિયમ લાગુ ન પડવો જોઇએ અને દરેક ગયોને સહાય  મળે તેવું સરકારે આયોજન કરવું જોઇએ જે સંસ્થા પાસે માલિકોની જમીન નથી તે ગાયોનું શું વાંક, સરકારે દરેક ગૌશાળાની હયાત જગ્યાના ભાડાકરાર કરી દેવા જોઇએ.

સરકાર દ્વારા જી.ઇ.બી.ખાનગીકરણ કરવાનું આયોજન થઇ રહેલ છે જો જી.ઇ.બી.નું ખાનગીકરણ થશે. તો કંપનીઓ દ્વારા આમ જનતા અને ખેડુતોને કોઇના કોઇ રીતે લુંટવાના પ્રયત્નો થશે અને ખેડુતોની મુશ્કેલીઓ વધશે. જેથી કરીને સરકારે પ્રજાના હિત માટે જી.ઇ.બી.નું ખાનગીકરણ ન કરવું જોઇએ.

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોની આ માંગણીઓને લઇને સૌરાષ્ટ્રના દરેક તાલુકા મામલતદારશ્રીઓ અને જીલ્લા કલેકટરશ્રીઓ તેમજ ધારા સભ્યો તેમજ સંસદ સભ્યઓને રજુઆત કરવામાં આવે છે.ટુંક સમયમાં જ ખેડુતોના ઉપરના મુદાઓને લઇને ઉકેલ કરવામાં આવે તો મજબુરન ભારતીય કિસાન સંઘને આંદોલનના માર્ગે જવુ પડશે તેની જવાબદાર સરકારશ્રી રહેશે.

આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, રમેશભાઇ હાપલીયા, મનોજ ડોબરીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, બચુભાભઇ ધામી, શૈલેષભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડિયા, ભાવેશભાઇ રૈયાણી, દીપકભાઇ લીબાશીયા,  વિગેરે જોડાયા હતા.

(3:15 pm IST)