રાજકોટ
News of Wednesday, 28th October 2020

દુધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડા હત્યા કેસમાં પકડાયેલ આરોપી વકીલની જામીન અરજી નામંજૂર

આરોપી વકીલે કાયદો જાણતા હોવા છતાં બનાવમાં સક્રિય ભાગ ભજવેલ છે

રાજકોટ,તા. ૨૮: દુધની ડેરી પાસે છાસ વેચવાની તકરારમાં થયેલ હત્યાના ફરીયાદી મુસ્તાકભાઇ હાજીગુલામ ચાવડા રહે.દુધની ડેરી પાસે દુધસાગર રોડ , લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીવાળાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબર (૨) રમીઝ ઉર્ફે બાબો ઇકબાલભાઇ ખૈબર (૩) અબ્દુલભાઇ ઓસમાણભાઇ ખૈબર (૪) ઇકબાલ ઓસમાણભાઇ ખૈબર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ છાસ વેચવાની તકરારના કારણે આરીફ હાજી ગુલામ હુસેનની હત્યા થયેલ હતી.

ઉપરોકત ચારેય આરોપીઓને થોરાળા પોલીસે અટક કરેલ હતા જેમાં વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબરને પણ હાથમાં ઇજા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં આરોપીઓનાં કોરોના ટેસ્ટ કરાવતા આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબરનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. અને અન્ય આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતા.

ઉપરોકત ગુનાનાં કામે આરોપી ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખૈબર કે જેઓ વકીલાત કરે છે તેમને જામીન પર છૂટવા માટેની અરજી કરેલ હતી જે અરજીમાં મુળ ફરીયાદ પક્ષે જામીન પર ન છોડવા માટે વિગતવારના વાંધાઓ રજુ કરેલ હતા. અને મુખ્યત્વે લેખીતમાં એવા વાંધાઓ રજુ કરવામાં આવેલ હતા કે હાલનાં અરજદાર /આરોપી વ્યવસાયે વકીલાત કરે છે. અને તેઓ કાયદાની પરિસ્થિતી સારી રીતે જાણતા હોવા છતા બનાવમાં સક્રીય ભાગ ભજવેલ છે. અને મરણજનારને પકડી રાખેલ છે. અને અન્ય આરોપીને છરીનો ઘા મારેલ છે. ત્યારબાદ પણ પોતાના પુત્રને પણ ઉશ્કેરણી કરીને આને આજે પુરો કરી નાખો તેમ કરી ઉશ્કેરણી કરતા તેમના પુત્રએ પણ છરીનો ઘા મારેલ છે. ત્યારબાદ મરણજનાર નીચે પડી જતા તમામ આરોપીઓએ એકસંપ કરી માર મારેલ છે અને રોડ ઉપર ઢસડેલ છે. આમ હાલનાં આરોપીએ હાલનાં બનાવમાં સક્રિય ભાગ ભજવેલ હોય આવા આરોપીને જામીન પર છોડી શકાય નહીં અને હાલનાં આરોપી અને ફરીયાદ પક્ષ એક જ વિસ્તારમાં બાજુ બાજુમાં રહે છે જો જામીન પર મુકત કરવામાં આવશે તો સાક્ષી પુરાવાઓને ફોડવાની પણ શકયતા રહેલી છે વિગેરે હકીકતો લખેતીમાં નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતી.

સેશન્સ કોર્ટે બચાવપક્ષની તથા સરકારી વકીલશ્રીની તથા મુળ ફરીયાદ પક્ષે રજુ થયેલ જામીન પર છોડવા સામેના વાંધાઓ અને પોલીસ પેપર્સને ધ્યાને લઇને આરોપી ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખૈબરની જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામના મુળ ફરીયાદી મુસ્તાકભાઇ હાજીગુલામ ચાવડા તરફે એડવોકેટ કલ્પેશ નસીત, તારક સાવંત, શ્રેયસ શુકલ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહીત, કૃષાલ દવે, અનીતા રાજવંશી તથા સરકારી વકીલશ્રી એસ. કે. વોરા રોકાયા હતા.

(3:14 pm IST)