રાજકોટ
News of Wednesday, 28th October 2020

રાજકોટ રાજવી પરિવારે નિભાવી ગાદીપૂજન, અશ્વપૂજન,શસ્ત્રપૂજન,વાહન પૂજનની પરંપરા

ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહજી અને પરિવારે કર્યું ઐતિહાસિક ગાદીનું પૂજન : રણજિત વિલાસ પેલેસમાં દશેરા નિમિત્ત્।ે યોજાયેલા પૂજનમાં ક્ષત્રીય સમાજ વર્ચ્યુઅલી જોડાયોઃ સ્વાસ્થ્ય,સુખ,સમૃધ્ધિ,સફળતાની શુભેચ્છા પાઠવતા ઠાકોર સાહેબ માંધાતાસિંહજી

રાજકોટઃ તા. ૨૮, પરંપરાનું પાલન એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. વિપરિત સમયમાં પણ એ નિભાવવામાં આવે તો એનું મહત્વ સામાન્ય દિવસો કરતાં પણ વધી જાય. રાજકોટના રાજવી પરિવારે આ જ વાત સાર્થક કરી. વિજયા દસમીએ દર વર્ષે થતું શસ્ત્રપૂજન આ વર્ષે કેવી રીતે થશે એ સવાલ હતો પરંતુ રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહજીએ રણજિત વિલાસ પેલેસમાં શાસ્ત્રોકત વિધિથી ગાદી પૂજન, શસ્ત્રપૂજન, અશ્વપૂજન, રથ પૂજન અને વાહન પૂજનની પ્રણાલી નિભાવી હતી.

 ૨૫મી ઓકટોબર, રવિવારે દશેરાના દિવસે રણજિત વિલાસ પેલેસમાં યોજાયેલી આ પૂજા વિધિ દરમિયાન ગાદીપૂજામાં રાણી સાહેબ કાદમ્બરીદેવી, યુવરાણી સાહેબ શિવાત્મિકાદેવી અને રાજકુમારી મૃદુલાકુમારી ઉપસ્થિત રહ્યા હતા. જે ગાદીનું ભાવથી પૂજન કરાયું એનું રાજકોટના ઇતિહાસમાં મહત્વ છે. રાજકોટ રાજયની સ્થાપના ચીભડા ગામે જેમણે કરી હતી એ રાજકોટના ઠાકોર સાહેબ પ્રાતઃ સ્મરણીય વીભાજી બાપુએ એ ગાદી પરથી રાજ કર્યું હતું. ૧૬૦૮માં ચીભડા ગામે રાજયની સ્થાપના કરીને ૧૬૧૦માં રાજકોટ વિકસાવ્યું અને ઇ.સ.૧૬૧૫માં સરધાર રાજધાની સ્થાપી. રાજકોટ રાજવી પરિવારના વંશજ, ઠાકોર સાહેબ રણમલજી બીજા ઇસ ૧૭૯૬માં  રાજકોટને રાજધાની બનાવી આ રાજગાદી સરધારથી રાજકોટમાં લાવ્યા. ત્યાર બાદ રાજકોટના દરબાર ગઢમાં ટીલા મેડીમાં આ ગાદી રખાઇ હતી. દર વર્ષે દશેરાએ એનું પૂજન કરવાની પરંપરા છે.

આ વર્ષે પણ આ રાજગાદીનું પૂજન ઠાકોર સાહેબ, યુવરાજ સાહેબ અને રાજવી પરિવારે કર્યુ હતું. ઠાકોર સાહેબે સૌને દશેરા પર્વ નિમિત્ત્।ે સ્વાસ્થ્ય, સુખ તથા સફળતા, સમૃધ્ધિની શુભેચ્છા પાઠવી હતી. કોરોના બીમારીને લીધે સમગ્ર ક્ષત્રીય સમાજના લોકો માટે આ વર્ષે એક સ્થળે એકત્ર થવાનું શકય નહોતુ. દર વર્ષે તો સામુહિક શસ્ત્રપૂજન થતું હોય છે પરંતુ આ વર્ષે રુબરુ ન આવી શકાય એમ હોવાથી રણજિત વિલાસ પેલેસ ખાતે થયેલા શસ્ત્રપૂજનમાં સમાજના લોકો વર્ચ્યુઅલી જોડાયા હતા. એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,યુ ટ્યુબ સહિતના સોસિયલ મીડિયાના માધ્યમથી સૌ ઓનલાઇન આ પૂજન વિધિમાં સામેલ થયા હતા. વિવિધ સમાચાર ચેનલોએ પણ પરંપરાગત આ પૂજન વિધીનીં નોંધ લઇ એના દ્રશ્યો પ્રસારિત કર્યાં હતા.

રણજીત વિલાસ પેલેસમાં યોજાયેલી આ પૂજનવિધિ ફકત ત્રણ જ દિવસોમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વિવિધ ન્યૂઝ ચેનલ અને વેબસાઇટમા દોઢ લાખથી વધુ દર્શકોએ લાઈવ નિહાળી છે અને આ પૂજન વિધિ લાઈવ જોઈ અનેક પરિવારો આ માધ્યમથી પૂજા વિધિમાં સામેલ પણ થયા હતા. હજી લોકો એ જોઈ રહ્યા છે.

 ગાદીપૂજન, શસ્ત્રપૂજન, અશ્વપૂજન, વાહન પૂજનની આ પરંપરાગત અને જાજરમાન વિધિ રોયલ ફેમિલી ઓફ રાજકોટના ફેસબૂક પેજ પર નિહાળી શકશે.

(3:08 pm IST)