રાજકોટ
News of Wednesday, 28th October 2020

નશાબંધી અને આબકારી કચેરીમાં જ એસીબીની ટ્રેપઃ હેડકલાર્ક રમેશ મજેઠીયાની લાંચ લેતાં ધરપકડ

હેલ્થ પરમિટ ધારકે પરમિટ રિન્યુ કરાવવાની પ્રક્રિયા પુરી કરાવી લીધા પછી તેને પરમિટ આપવાના બદલામાં રૂ. ૬૦૦૦ માંગ્યા'તાઃ ૨ હજારમાં નક્કી કરી લાંચ સ્વીકારતાં જ રાજકોટ એસીબી પીઆઇ મયુરસિંહ સરવૈયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: શહેરની નશાબંધી અને આબકારી કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ કરી આ કચેરીના હેડકલાર્કને લાંચ લેતાં ઝડપી લેતાં નશાબંધી વર્તુળોમાં અને હેલ્થ પરિમટ ધારકોમાં ચકચાર જાગી છે. એક પરમિટ ધારકે પોતાની હેલ્થ પરિમટ નિયમ મુજબ રિન્યુ કરાવવાની પ્રક્રિયા પુરી કરાવી હતી. એ પછી તેને કાયદેસરના નિયમો મુજબ પરમિટ આપવાની થતી હતી. પરંતુ આ કચેરીના હેડકલાર્કએ પરમિટના બદલામાં રૂ. ૬ હજારની લાંચ માંગી હતી. રકઝક બાદ ૨ હજારમાં નક્કી થયું હતું અને આજે કચેરી ખાતે જ તેણે લાંચ સ્વીકારતાં એસીબીના છટકામાં તે આબાદ ઝડપાઇ જતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એસીબીના સુત્રોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ એક હેલ્થ પરિમટ ધારક કે જે નશાબંધી અને આબકારી વિભાગની કાયદેસરની પરમિટ ધરાવે છે તેની પરમિટની મુદ્દત પુરી થઇ ગઇ હોઇ રિન્યુ કરાવવા માટેની પ્રક્રિયા તેણે હાથ ધરી હતી. કાયદેસરની ધારાધોરણ મુજબની ફી ભરપાઇ કરવા સહિતની કાર્યવાહી બાદ આ પ્રક્રિયા પુરી થઇ ગઇ હતી. આથી પરમિટધારક (ફરિયાદી) પોતાની પરમિટ લેવા જતાં આ કચેરીમાં ફરજ બજાવતાં હેડકલાર્ક વર્ગ-૩ રમેશભાઇ હરિભાઇ મજેઠીયાએ પરમિટ જોઇતી હોય તો ૬ હજાર આપવા પડશે તેવી માગણી કરી હતી. રકઝકને અંતે વાત ૨૦૦૦માં નક્કી થઇ હતી.

પરંતુ પરમિટધારક લાંચની રકમ આપવા ન માંગતા હોઇ તેણે એસીબી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ આપતાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમે આજે નશાબંધી અને આબકારી કચેરી (શાસ્ત્રીમેદાનના છેડે એસબીઆઇ પાસે) ખાતે વોચ ગોઠવી હતી. એ દરમિયાન કચેરીમાં હેડકલાર્ક રમેશભાઇએ રૂ. ૨૦૦૦ની લાંચ સ્વીકારતાં જ તેને રંગેહાથ પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. મદદનીશ નિયામક એ. પી. જાડેજાની રાહબરીમાં પીઆઇ એમ. એમ. સરવૈયા, પીએસઆઇ એસ. વી. ગોસ્વામી તથા રાજકોટ એસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(3:11 pm IST)