રાજકોટ
News of Wednesday, 28th October 2020

સિવિલ હોસ્પિટલમાં રિન્યુના વાંકે મહિનાઓથી સલવાઇ પડી છે ૩૨૦૦ જેટલી હેલ્થ પરમિટો

બધા શહેરોમાં કોરોના વખતે પણ આ કામગીરી અટકી નથી ત્યારે રાજકોટ સિવિલમાં કોવિડની કામગીરીના બહાના હેઠળ તબિબી અધિક્ષક દ્વારા નથી થતી રિન્યુ માટેની કાર્યવાહીઃ બીજાને પણ તેઓ કામ સોંપતા નથી

રાજકોટ તા. ૨૮: નશાબંધી અને આબકારી કચેરી દ્વારા ઉમર સહિતના નક્કી થયેલા ધારાધોરણો, નિયમો મુજબ અને સરકારે નિયત કરેલી ફી સહિતની કાર્યવાહી બાદ જે તે અરજદારને હેલ્થ પરમિટ કાઢી આપવામાં આવે છે. આ માટેની એક પ્રક્રિયા જે તે સિવિલ હોસ્પિટલમાં પણ થતી હોય છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં જે તે અરજદારની હેલ્થ ચેકઅપની કાર્યવાહી કરવાની હોય છે. એ પછી પરમિટ માટેના ફોર્મ અહિથી નશાબંધી અને આબકારી કચેરીમાં જતાં હોય છે. ચલણ ભરવા, ફોર્મ ભરવા, તબિબી ચેકઅપ કરાવવું આ સહિતની પ્રક્રિયા દર વખતે હેલ્થ પરમિટની મુદ્દત પુરી થાય ત્યારે રિન્યુ કરાવતી વખતે પણ કરવી પડે છે. હાલમાં રાજકોટ શહેરમાં હજારો હેલ્થ પરમિટ ધારકો છે. જે પૈકીના ૩૨૦૦ જેટલા પરમિટ ધારકોએ પોતાની હેલ્થ પરમિટ રિન્યુ કરાવવા માટેની કાયદેસરની પ્રોસીઝર પુરી કરી છે અને ફોર્મ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. પરંતુ કોઇપણ કારણોસર છેલ્લા ઘણા મહિનાઓથી આ તમામ પરમિટો રિન્યુની કાર્યવાહી નહિ થવાને કારણે સલવાઇને પડી હોઇ પરમિટ ધારકોમાં ખુબ કચવાટ ઉભો થયો છે.

સિવિલ હોસ્પિટલમાં અગાઉ તબિબી અધિક્ષક તરીકે ડો. મનિષ મહેતા હતાં ત્યારે  પરમિટ રિન્યુની કાર્યવાહી થતી હતી એ જ કાર્યવાહી હાલના ચાર્જમાં રહેલા તબિબી અધિક્ષકશ્રીને કરવાની હોય છે. પરંતુ કોવિડની કાર્યવાહીમાં સતત વ્યસ્ત હોવાના બહાના તળે અથવા તો બીજા કોઇપણ કારણોને લીધે પરમિટ રીન્યુની કાર્યવાહીને સાવ ઠપ્પ કરી દેવામાં આવી છે.

અરજદારો ધક્કા ખાઇ ખાઇને થાકી ગયા છે પરંતુ આ માટેની કોઇ કાર્યવાહી શરૂ થઇ નથી. અથવા તો ઇન્ચાર્જશ્રી અન્ય કોઇને પણ આ કાર્યવાહી કોઇપણ કારણોસર સોપવા રાજી નથી. કોરોનાના સમયમાં પણ અન્ય તમામ શહેરોમાં પરમિટ રિન્યુની કાર્યવાહી યથાવત રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૩૨૦૦ જેટલી પરમિટો શા માટે સલવાડી રાખવામાં આવી છે તેવો સવાલ સોૈ હેલ્થ પરમિટ ધારકો ઉઠાવી રહ્યા છે.

(3:05 pm IST)