રાજકોટ
News of Wednesday, 28th October 2020

જુના પ્રેમપ્રકરણના ડખ્ખામાં મવડીના યોગેશ ધોકીયાની ધોકા-પાઇપ-પટ્ટાથી બેફામ ધોલાઇઃ બીડીના ડામ દેવાયા

આમ્રપાલી ફાટક નજીક અમિત લાડવા, મનિષ લાડવા, પારસ લાડવા અને પરષોત્તમ લાડવા તૂટી પડ્યાઃ અમિતની પત્નિ સાથેનું અગાઉનું પ્રેમપ્રકરણ કારણભુતઃ અગાઉ બંને ભાગીને ૪૫ દિવસ સાથે રહ્યા'તાઃ એ પછી યોગેશ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધાયો હતોઃ બેફામ ફટકાર્યા પછી બીડીથી ડામ દેવાયા

યોગેશને ધોકા, પાઇપ, પટ્ટાથી બેફામ ફટકારાયા બાદ વાંસામાં બીડીથી ડામ પણ દેવામાં આવ્યાનું જણાવાયું હતું. તસ્વીરમાં યોગેશ, મારના નિશાનો અને ડામના નિશાનો જોઇ શકાય છે. તસ્વીર તેમના પરિવારજને મોકલી હતી

રાજકોટ તા. ૨૮: મવડી લાભદીપ સોસાયટીમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ કુંભાર યુવાનને આમ્રપાલી ફાટક નજીક જુના પ્રેમ સંબંધને મામલે પૂર્વ પ્રેમિકાના પતિ સહિતના ચાર કુટુંબીજનોએ ધોકા-પાઇપથી ફટકારી બીડીના ડામ દેતાં હોસ્પિટલના બિછાને પહોંચતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ગાંધીગ્રામ પોલીસે આ બારામાં મવડી લાભદીપ સોસાયટી-૬ મોમાઇ કૃપા ખાતે રહેતાં અને સુથારી કામ કરી ગુજરાન ચલાવતાં યોગેશ જમનભાઇ ધોકીયા (ઉ.વ.૩૧) નામના કુંભાર યુવાનની ફરિયાદ પરથીઅમિત લાડવા, મનિષ લાડવા, પરષોત્તમભાઇ લાડવા અને પારસ લાડવા (કુંભાર) વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

યોગેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્નિ આશા અને એક દિકરો તથા એક દિકરી સાથે રહુ છું. મારા મમ્મી-પપ્પા અને નાનો ભાઇ તેના પરિવાર સાથે નીચેના માળે રહે છે. બુધવારે રાતે હું સુથારી કામ કરી ભરૂડી ટોલનાકેથી આવ્યો હતો અને આમ્રપાલી ફાટક પાસે કામ સબબ ગયો હતો. ત્યાંથી મિત્ર ભરતભાઇ ગોવિંદભાઇ ગાંગલીયા કે જે મારી સાથે સુથારી કામ કરે છે તેને બાઇક નં. જીજે૦૩જેએસ-૨૫૫૨માં બેસાડી આમ્રપાલી ફાટકથી રૈયા રોડ તરફ મારા ઘરેજવા નીકળ્યો હતો.

આ વખતે રૈયા રોડ હંસરાજનગર સોસાયટી આઇસીઆઇસીઆઇ બેંક પાસે અમિત લાડવા અને તેનો ભાઇ પારસ લાડવા મારા બાઇક આડે આવી ઉભા રહી ગયા હતાં. મને તથા બાઇકને ધક્કો મારી પછાડી દીધા હતાં. ભરત પણ પડી ગયો હતો. ત્યાં અમિત લાડવાનો ભાઇ મનિષ અને તેના મોટા બાપા પરષોત્તમ લાડવા ધોકા-પાઇપ સાથે આવી ગયા હતાં અને મને માર મારવા માંડ્યા હતાં. મનિષે મારી નાંખવાની ધમકી આપી હતી. ચારેયએ 'આજે તો તને મારી જ નાંખવો છે' તેમ કહેતાં અવજા થતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું.

કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી અને ૧૦૮મ ારફત દવાખાને ખસેડ્યો હતો. યોગેશે પોલીસને આગળ જણાવ્યું હતું કે આ ઝઘડાનું કારણ એ છે કે મારે અમિત લાડવાની પત્નિ સાથે ઘણા સમયથી પ્રેમસંબંધ હોઇ અમે ગત ફેબ્રુઆરીમાં ૪૫ દિવસ સુધી ભાગી ગયા હતાં. એ પછી પોલીસ પકડી લાવી હતી. તેના ત્રણેક મહિના પછી મારા પર બળાત્કારનો કેસ કરાયો હતો અને હું જેલહવાલે થયો હતો. હાલમાં જામીન પર બહાર આવ્યો હોઉ જુનો ખાર રાખી અમિત સહિતનાએ હુમલો કરી માર માર્યો હતો.

 આરોપીઓ આમ્રપાલી ફાટક નજીકની શ્રીહંસ સોસાયટી પાસે રહે છે. પીએસઆઇ એ. વી. પીપરોતરે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

(12:49 pm IST)