રાજકોટ
News of Tuesday, 28th September 2021

કોંગ્રેસે કોર્પો. તંત્રને દોડાવ્યું : રોડ-રસ્તાનું ધડાધડ સમારકામ

દિવસ-રાત મેટલીંગ સહિતના કામો ચાલુ રાખવા મ્યુ. કમિશનરની તાકીદ

મનપા દ્વારા રાત્રીના સમયમાં રોડ-રસ્તાનું મેટલીંગ કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર.

રાજકોટ,તા.૨૮: શહેરનાં રોડ-રસ્તાઓનાં સમાર કામમાં તંત્ર દ્વારા ઢીલાશ રાખતા કોંગ્રેસ દ્વારા જાતે ખાડા- બુરો અભિયાન શરૂ કરતા મનપા તંત્ર સફાળુ જાગ્યુ છે.

દિવસ-રાત મેટલીંગ, પેચવર્ક સહિતનાં કામો ચાલુ રાખવા અને જરૂર પડીએ એજન્સીઓને માણસો વધારવા મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ સુચના આપી છે.

રાજયમાં મેઘરાજાની મહેર થતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે. વરૂણદેવે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા દુર કરતા ખુશીનો માહોલ છવાયો છે. પણ આ વરસાદથી શહેરના રસ્તાઓમાં ખાડા-ખબડા અસંખ્યા ગઇ ગયા હતાં. જેથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા આ ખાડાઓ બુરવા, રોડના સમારકામ કરવામાં ઢીલાશ રખાતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં રોડ-રસ્તાના મરામતનો નવતર કાર્યક્રમ આપતાં તંત્રવાહકો સફાળા જાગ્યા છે અને રીપેરીંગના ફટાફટ આદેશો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા અગાઉ મોકલાયેલ યાદીમાં જણાવેલ કે ગેરેન્ટીવાળા રોડ રસ્તા મરામત-રિપેરીંગ કરવામાં મહાનગરપાલીકા સદંતર નિષ્ફળ હોવાના આક્ષેપ સાથે છે. કોંગ્રેસ દ્વારા વિવિધ વોર્ડમાં ખાડા બુરો અભિયાન શરૂ કરાયેલ.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ ઝોનમાં કામ પણ શરૂ કરી દેવાયુ છે. જેમાં હાલ રાત્રીના પણ જરૂરી સમારકામ-રીપેરીંગ કરાશે. જરૂર પડયે ર૪ કલાક કામ ચાલુ રાખી રોડ-રસ્તાને ખાડા મુકત કરવામાં આવશે.

જયારે ગત અઠવાડીયું શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે મ.ન.પા. દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ ૧૨,૦૦૦ ચો.મી. રસ્તાઓનું નુકસાન થયાનું ખુલ્યું હતું. તેમાં ગેરેન્ટીવાળા ૨૫૪૬ ચો.મી. રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. આ રસ્તાઓ એજન્સીના ખર્ચે રીપેર કરવામાં આવશે તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની અગાઉ યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદને પગલે જાહેર માર્ગોને થયેલ નુકસાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૮ વોર્ડમાં જાહેર રસ્તાઓ પરના કુલ મળીને ૧૧,૮૬૫ ચો.મી. એરિયામાં નુકસાન થયું હતું, જે પૈકી આશરે કુલ ૧૦,૦૮૯ ચો.મી. એરિયાનું મેટલ, મોરમ અને પેવિંગ બ્લોક વડે પેચ વર્ક પૂર્ણ કરાયેલ. જયારે બાકી રહેલા ૧૭૮૧ ચો.મી. જેટલા એરીયામાં સમારકામ ચાલુ છે.

મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ શહેરના તમામ વોર્ડમાં જે રસ્તાઓમાં નુકસાન થયેલ છે તેમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના તારણો અનુસાર વેસ્ટ ઝોનમાં ૩૭૧ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ, ઈસ્ટ ઝોનમાં ૨૦૭ સોસાયટી અને મુખ્ય રસ્તાઓ અને સેન્ટ્રલ ઝોનમાં ૩૩૫ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓમાં કુલ ૨૫૪૬ ચો.મી. જેટલા એરીયામાં નુકસાન જોવા મળેલ છે. ડિફેકટ લાયેબિલિટી હેઠળ જે તે એજન્સી પાસે તેના ખર્ચે આ રસ્તાઓ રીપેર કરી આપવા કોર્પોરેશન તંત્રે જણાવ્યું હતું. 

(3:55 pm IST)