રાજકોટ
News of Monday, 28th September 2020

ખોડિયારનગરમાં કિશનને મિત્ર સિકંદરે મોબાઇલ ફોન મામલે ધોકાથી ફટકાર્યો

મિત્ર મોબાઇલ લઇ જતો'તો તેને સીમ કાર્ડ પાછુ આપી દેવા કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૮: આજી વસાહત ૮૦ ફુટ રોડ પર ખોડિયારનગર-૮માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં કિશન દુદાભાઇ નંદાશીયા (ઉ.વ.૨૪) નામના કોળી યુવાનને તેના મિત્ર સિકંદર આદમભાઇ સંધી અને તેની સાથેના બીજા અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. કિશનના ભાઇ દિપકભાઇના કહેવા મુજબ સિકંદર એ કિશનનો મિત્ર જ  છે. રાત્રે કિશન ઘર પાસે હતો ત્યારે સિકંદરે આવીને તેનો મોબાઇલ ફોન ખેંચી લીધો હતો અને મારે જોઇએ છે...કહી ચાલતો થયો હતો. આથી કિશને મોબાઇલ ભલે લઇ જા, પણ અંદરથી સિમ કાર્ડ તો કાઢી લેવા દે...તેમ કહેતાં બોલાચાલી થઇ હતી અને સિકંદર સહિતે ધોલધપાટ કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

નવાગામના જગદીશને અશોકે બગીચામાં ધોકાવ્યો

નવાગામ આણંદપરમાં રહેતો જગદીશ ચોથાભાઇ વાઘાણી (ઉ.વ.૩૨) રાતે સાડા દસેક વાગ્યે ઘર નજીક બગીચામાં હતો ત્યારે અશોક કોળી સહિતનાએ કોઇ કારણે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

(12:56 pm IST)