રાજકોટ
News of Monday, 28th September 2020

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં કોણે-કોણે કર્યા હાથ કાળા?... હિમતે સિવિલમાંથી ચોર્યા કે કેમ?: રિમાન્ડની તજવીજ

૧૫ થી ૨૧મી તારીખ સુધી હિમત ચાવડાની સિવિલ હોસ્પિટલ કોવિડમાં નોકરી હતી, એ પછી નોનકોવિડમાં ફરજ બજાવી હતીઃ ક્રાઇમ બ્રાંચે ખાનગી હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની દેવ્યાની ચાવડા અને તેના મંગેતર શિવાલ ગોહેલને ગોંડલ રોડ શાંતિ કોવિડ હોસ્પિટલ પાસેથી બે ઇન્જેકશન સાથે પકડ્યા બાદ મેડિકલ સ્ટોરના કર્મી અંકિત રાઠોડ તથા જગદીશ શેઠની ધરપકડઃ જગદીશની તપાસમાં સિવિલના હંગામી કર્મચારી હિમત ચાવડાને દબોચાયોઃ ૯૬૦૦ના બે ઇન્જેકશન હિમતે જગદીશને રૂ. ૧૨ હજારમાં, જગદીશે અંકિતને રૂ. ૧૪ હજારમાં, અંકિતે દેવ્યાનીને રૂ. ૧૫૦૦૦માં આપ્યા'તાઃ દેવ્યાની સીધા પાંચ હજાર વધારી રૂ. ૨૦ હજારમાં સોદો નક્કી કર્યો'તોઃ પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા અને ટીમની ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં વધુ એક સફળ કામગીરી

માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા અને કામગીરી કરનાર ટીમ તથા જે પાંચને પકડવામાં આવ્યા તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: કોરોનાના દર્દીઓને ઓકિસજન લેવલ ઘટી જાય ત્યારે અપાતા રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહ્યા હોવાની માહિતી પરથી ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવી ખાનગી કોવિડ હોસ્પિટલની નર્સ તથા તેના મંગેતર અને અન્ય ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના બે કર્મચારી તથા સિવિલ હોસ્પિટલમાં હંગામી ધોરણે નર્સિંગની નોકરી કરતાં એક શખ્સને દબોચી લઇ પાંચેયની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના હંગામી કર્મી હિમત કાળુભાઇ ચાવડા મારફત બે ઇન્જેકશન મળ્યા ત્યાં સુધી તપાસ પહોંચી છે. હિમતે પોતાની કોવિડ સેન્ટરની નોકરી દરમિયાન આ ઇન્જેકશન ચોર્યા કે પછી બીજા કોઇ મારફત મેળવ્યા? રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં કોણે-કોણે હાથ કાળા કર્યા? તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ક્રાઇમ બ્રાંચે આ ઇન્જેકશનના કાળા બજારમાં ગાંધીગ્રામ પ્રજાપતિની વાડી સામે ભાડેથી રહેતી અને શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી દેવ્યાની જીતેન્દ્રભાઇ ચાવડા (મોચી) (ઉ.વ.૨૦) તથા લક્ષ્મીનગર-૧, બાલવી કૃપામાં રહોતાં તથા ઇલાઇટ ટૂલ્સમાં પ્રાઇવેટ નોકરી કરતાં તેના મંગેતર વિશાલ ભૂપતભાઇ ગોહેલ (મોચી) (ઉ.વ.૨૧), પંચવટી મેઇન રોડ પર મારૂતિ ડ્રાઇવીંગ સ્કૂલ સામે શિવશકિત સોસાયટીમાં રહેતાં અને જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં અંકિત મનોજભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.વ.૨૧) તથા નવલનગર-૩/૧૯, સિલ્વર પાર્ક ગોપાલ કુંજમાં રહેતાં જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ (કંસારા) (ઉ.વ.૩૭) તેમજ લક્ષ્મીનગર મેઇન રોડ પાયલ નોવેલ્ટી સામે રહેતાં અને સિવિલ હોસ્પિટલમાં હંગામી ધોરણે નર્સિંગ વિભાગમાં નોકરી કરતાં હિમત કાળુભાઇ ચાવડા (અનુ.જાતિ) (ઉ.વ.૨૩)ને પકડી લઇ પાંચેયના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ પાંચેય મુળ કિંમત ૪૮૦૦માં આવતાં રેમડેસિવિલ ઇન્જેકશન કાળાબજારમાં રૂ. દસ-દસ હજારમાં વેંચી લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતાં હતાં. કેટલાક દિવસોથી એવી ફરિયાદો ઉઠી હતી કે કોરોનાના દર્દીઓની સારવારના રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહ્યા છે. આ અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તપાસ કરવા સુચના આપી હોઇ ટીમો વોચમાં હતી. એ દરમિયાન  ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમને એક નર્સિંગ સ્ટાફ કર્મચારી બહેન તરફથી માહિતી મળી હતી કે શાંતિ કોવિડમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી દેવ્યાની નામની યુવતિ રેમડેસિવિર ઇન્જેકશન ઉંચા ભાવે આપે છે. આથી છટકુ ગોઠવાયુ હતું અને તેની પાસે બે ઇન્જેકશનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. તેણે આ બે ઇન્જેકશનના રૂ. ૨૦ હજાર માંગ્યા હતાં.

એ પછી પોલીસની ટૂકડીએ ગોંડલ રોડ શાંતિ કોવિડ નજીક જ ઇન્જેકશન આપી જવા કહેતાં દેવ્યાની અને તેનો ફિયાન્સ વિશાલ ગોહેલ ઇન્જેકશન આપવા આવતાં રંગેહાથ પકડી લેવાયા હતાં. વિશાલે પોતાની દેવ્યાની સાથે સગાઇ થઇ હોઇ પૈસાની બંનેને જરૂર હોઇ પોતે દેવ્યાનીના કહેવાથી સાથે આવ્યાનું કબુલ્યું હતું. દેવ્યાનીની પુછતાછ થતાં તેણીએ જલારામ હોસ્પિટલ પાસેના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં અંકિત મનોજભાઇ રાઠોડ પાસેથી રૂ. ૧૫ હજારમાં બે ઇન્જેકશન લીધાનું અને અંકિતને ઠાવી પુછતાછ થતાં તેણે પોતાની સાથે જ નોકરી કરતાં જગદીશ શેઠ પાસેથી રૂ. ૧૪ હજારમાં બે ઇન્જેકશન લીધાનું કબુલ્યું હતું.

જગદીશને પણ ઉઠાવી લઇ ક્રાઇમ બ્રાંચે વિશીષ્ટ પુછતાછ આદરતાં તેણે પોતે સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં હિમત ચાવડા પાસેથી આ ઇન્જેકશન ૬-૬ હજાર લેખે એટલે કે ૧૨ હજારમાં બે મેળવ્યાનું કબુલતાં હિમતને પણ ઉઠાવી લેવાયો હતો. તેણે આ ઇન્જેકશન નોકરી દરમિયાન સિવિલમાંથી ચોરીને મેળવ્યા કે પછી બીજા કોઇએ પણ આમાં કાળા હાથ કર્યા છે? તેની તપાસ હવે પછી થશે. હિમતે હજુ ગોળ-ગોળ વાતો ચાલુ રાખી છે. આ પાંચેય સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી આઇપીસી ૪૨૦, ૧૧૪, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩, ડ્રગ એન્ડ કોસ્મેટિક અધિનિયમની કલમ ૨૭ મુજબ  ગુનો નોંધ્યો છે. મહામારીના સમયમાં પણ લોકોની મજબૂરની ગેરલાભ ઉઠાવનારા આ પાંચેય સાથે બીજા કેટલા સંડોવાયા છે? અગાઉ કેટલા ઇન્જેકશન વેંચ્યા? ખરેખર ઇન્જેકશન કયાંથી આવ્યા? એ સહિતા મુદ્દે તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્રસિંહ પરમાર, કોન્સ. તોરલબેન જોષી સહિતે આ કામગીરી કરી હતી.

હિમતે તા. ૧૫ થી ૨૧ દરમિયાન સિવિલના કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી હતીઃ

એ દિવસોનો ઇન્જેકશનનો સ્ટોક મંગાવાયો

. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હિમત ચાવડા કેટલાક મહિનાથી સિવિલના કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે. તેની નોકરી અઠવાડીએ રોટેશન મુજબ ફરતી રહે છે. અઠવાડીયું કોવિડમાં અને અઠવાડીયુ નોનકોવિડમાં નોકરી કરવાની હોય છે. છેલ્લે તેણે તા. ૧૫ થી ૨૧ દરમિયાન કોવિડમાં ફરજ બજાવી હતી. પોતાની નોકરીના આ દિવસો દરમિયાન સિવિલમાંથી જ ઇન્જેકશન તેણે ચોર્યા કે બીજા કોઇ મારફત મેળવ્યા? તે જાણવા તપાસ થઇ રહી છે. તેમજ સિવિલમાં એ દિવસોમાં કેટલા ઇન્જેકશન હતાં? સ્ટોકમાંથી કેટલા વપરાયા? તે સહિતની વિગતો ક્રાઇમ બ્રાંચના તપાસનીશ અધિકારી વી. જે. જાડેજાએ મંગાવી છે.

(11:49 am IST)